આજે વસંતપંચમી : મંગળ, શનિ, ગુરૂ ગ્રહનો યોગ રહેશે
બપોરે ૧-૩૦ વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિનો યોગ
અમદાવાદ: આવતીકાલે તા.૩૦ જાન્યુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિ છે. આવતીકાલે વસંતપંચમીના પવિત્ર અને શુભ દિને ૧૭૫ વર્ષ બાદ મંગળ, શનિ અને ગુરૂ ગ્રહનો યોગ બનતો હોઇ તે શુભફળમાં વૃદ્ધિદાયક બની રહેનાર હોઇ તેની મહત્વતા ઘણી વધી જાય છે. વસંતપંચમીના આ દિવસને દેવી સરસ્વતીજીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસને વાગીશ્વરી જયંતી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના મતે, વસંત પંચમીએ બપોરે ૧-૩૦ વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિનો અનોખો યોગ પણ સર્જાશે. મંગળ સ્વરાશિ વૃશ્ચિકમાં, ગુરૂ સ્વરાશિ ધનમાં, શનિ સ્વરાશિ મકરમાં, શુક્ર મિત્ર રાશિ કુંભમાં, રાહુ-કેતુ પણ મિત્ર રાશિમાં રહેશે.
ગ્રહોના યોગમાં વસંત પંચમીનું આવવું શુભફળમાં વૃદ્ધિ કરનાર મનાય છે. આ અગાઉ વસંત પંચમીએ ગ્રહોનો આવો યોગ ૧૭૫ વર્ષ પહેલાં સને ૧૮૪૫ના રોજ બન્યો હતો. તે સમયે મંગળ સ્વરાશિ વૃશ્ચિકમાં, શનિ સ્વરાશિ મકરમાં અને ગુરૂ પણ સ્વરાશિમાં હતો. ગુરૂ તે સમયે મીન રાશિમાં હતો.
સાથે જ, આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બન્યો છે. શિક્ષા સંબંધિત કામ કરનાર અને વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપનારી મનાય છે, આ યોગમાં વિદ્યાર્થીઓએ કોઇ નવી વિદ્યા શીખવાનું શરૂ કરવું જોઇએ. જયોતિષાચાર્યોના મતે, જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી તે સમયે દેવી માતા એટલે આદ્યશક્તિએ સ્વયંને પાંચ ભાગમાં વિભાજિત કર્યાં હતાં. આ પાંચ ભાગ એટલે રાધા, પદ્મા, સાવિત્રિ, દુર્ગા અને સરસ્વતી. આ શક્તિઓ ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ અંગોથી પ્રગટ થઇ હતી. તે સમયે દેવી સરસ્વતી ભગવાનના કંઠથી પ્રકટ થયા હતાં.
ભગવતી સરસ્વતી સત્વ ગુણ સંપન્ના છે. તેમના અનેક નામ છે. દેવીને વાક, વાણી, ગિરા, ગી, ભાષા, શારદા, વાચા, ધીશ્વરી, વાગ્દેવી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. દેવી સરસ્વતીનું પૂજન ક્યારે સાર્વજનિક સ્થાને કરવામાં આવતું નથી. શાસ્ત્રોમાં વાગ્દેવીનું પૂજન એટલે આરાધના વ્યક્તિગત રૂપથી જ કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. દેવી ભાગવત પ્રમાણે આ અષ્ઠાક્ષર મંત્રથી દેવીનું પૂજન કરવું જોઇએ. દેવી સરસ્વતીની સત્વગુણથી થઇ છે. એટલે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને તેમની પૂજામાં સફેદ વસ્તુઓનો જ પ્રયોગ કરવો જોઇએ. આ દિવસે નાના બાળકોનો વિદ્યાભ્યાસ શરૂ કરવો જોઇએ.
દેવી ભાગવત અને બ્રહ્મવૈવર્તપુરાણ પ્રમાણે બધા ઋષિઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કર્યા હતાં. પ્રસન્ન થઇને દેવીએ ઋષિઓને વાક્સિદ્ધિ પ્રદાન કરી હતી. દેવીની પ્રસન્નતાના કારણે જ ઋષિઓએ અનેક ગ્રંથની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે સરસ્વતી માતાના કાળી સ્વરૂપની ઉપાસના કરી હતી.
ત્યારબાદ કાલિદાસથી વિશ્વકવિ સ્વરૂપે તેઓ પ્રસિદ્ધ થયા. તુલસીદાસજીએ પણ દેવી સરસ્વતી અને ગંગાને એક સમાન પાપહારિણી અને અવિવેક હારિણી બતાવ્યાં હતાં. દેવી સરસ્વતી વિદ્યાની દેવી છે અને વિદ્યાને બધા પ્રકારે ધનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિદ્યાથી જ અમૃતપાન કરી શકાય છે. જે વ્યક્તિ ઉપર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે, તેને મહાલક્ષ્મીની પ્રસન્નતા પણ મળે છે. વિદ્યાથી જ ધન એકઠું કરી શકાય છે. બધા પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ વિદ્યા પ્રાપ્ત કરવાથી જ મળે છે. આમ, વસંતપંચમીએ સરસ્વતીપૂજનનું વિશેષ અને અનન્ય મહાત્મ્ય છે.