આઝમ ખાનની તબિયત ફરી લથડતા ઓક્સિજન સપોર્ટ પર રખાયા
નવીદિલ્હી: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત ફરી લથડી છે અને તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. મેદાંતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર રાકેશ કપૂરના કહેવા પ્રમાણે સિટી સ્કેન બાદ આઝમ ખાનના લંગ્સમાં ફાઈબ્રોસિસ રોગ હોવાની જાણ થઈ હતી. સાથે જ કેવિટી પણ મળી આવી છે જેથી આજે તેમનો ઓક્સિજન સપોર્ટ વધારવામાં આવ્યો છે.
ફાઈબ્રોસિસ એક એવી સ્થિતિ છે જે ફેફસામાં ઘા અને સંકોચનનું કારણ બને છે. આ કારણે શરીરને જરૂરી માત્રામાં ઓક્સિજન નથી મળતો જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ કારણે હૃદયસંબંધી વિકાર અને અન્ય જટિલતાઓ પણ સર્જાઈ શકે છે.
સપા નેતા આઝમ ખાનની સ્થિતિ ખૂબ ગંભીર છે અને તેમને ક્રિટિકલ કેર મેડિસિનના એક્સપર્ટ ડોક્ટર્સના મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે.
જ્યારે તેમના દીકરા મોહમ્મદ અબ્દુલ્લાહ ખાનની સ્થિતિ સ્ટેબલ છે. જાે કે સીસીએમના ડોક્ટર્સ સતત તેમનું મોનિટરિંગ કરી રહ્યા છે.ગત ૧ મેના રોજ આઝમ ખાન સીતાપુર જેલમાં કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ તબિયત બગડતા તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો દીકરો પણ તે હોસ્પિટલમાં જ દાખલ છે.
આઝમ ખાન ફેબ્રુઆરી ૨૦૨૦થી સીતાપુર જેલમાં બંધ હતા. તેમના પર રામપુર ખાતે ગેરકાયદેસર રીતે જમીન પર કબજાે અને બોગસ પ્રમાણપત્ર બનાવવા સહિતના અનેક આરોપો લાગેલા છે. તેમના દીકરા અબ્દુલ્લા વિરૂદ્ધ પણ બોગસ ડિગ્રીના અનેક કેસ નોંધાયેલા છે અને તે પણ પિતા સાથે જેલમાં કેદ હતો.