આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લામાં ૮૨ જળાશયોને અમૃત સરોવર બનાવાશે
એક એકર કરતા વધુનો વિસ્તાર ધરાવતા હોઇ એવા જિલ્લાના ૮૨ તળાવોની કરાઇ પ્રાથમિક પસંદગી
વડોદરા, આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા આહ્વાનને પ્રતિસાદરૂપે વડોદરા જિલ્લામાં ૭૫ અમૃત સરોવર વિકસાવવાનું આયોજન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાને રાખીને જિલ્લામાં ૮૨ તળાવોની પ્રાથમિક તબક્કે અમૃત સરોવર તરીકે વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કેન્દ્રીય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા ૭૫ અમૃત સરોવર બનાવવા માટે ખાસ માર્ગદર્શિક જાહેર કરી છે. તે મુજબ લઘુત્તમ એક એકરનો વિસ્તાર ધરાવતા સરોવરને અમૃત સરોવર તરીકે વિકસાવવાનું રહે છે. તેને ધ્યાને રાખીને વડોદરાના રાજ્ય સિંચાઇ વિભાગ દ્વારા ૮૨ તળાવોની સૂચિ તૈયાર કરવામાં આવી છે. જેની અમૃત સરોવર તરીકે ડેવલપ કરવામાં આવશે. આ તમામ તળાવો હયાત છે.
તળાવમાંથી માટી કાઢીને પાળા ઉપર નાખવામાં આવશે. તળાવ ઉંડા ઉતરતાની સાથે તેમાં વધુ જળરાશીનો સંગ્રહ થશે. તેની સાથે તળાવના પાળા ઉપર પીપળો, વડલો લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ અમૃત સરોવર આગામી સ્વતંત્રતા દિન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.