આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત અમદાવાદમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
આઝાદી કા અમૃત મહોત્સવ” આપણી ૭૫ વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો અને આગામી ૨૫ વર્ષ માટેની રૂપરેખા-સંકલ્પ પણ રજૂ કરવાનો અવસર- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્ર્ંટ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યકમને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મહોત્સવે આપણને ૭૫ વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો અને આગામી ૨૫ વર્ષ માટેની રૂપરેખા-સંકલ્પ રજૂ કરવાનો અવસર પૂરો પાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મહોત્સવ પાછળની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સંકલ્પનાને રજૂ કરતાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીથી રાષ્ટ્રનું વારસારૂપી અમૃત નવી પેઢીને પ્રાપ્ત થશે અને યુવાનોને દેશ માટે જીવવાની પ્રેરણા મળશે.
મહોત્સવનું મહત્વ રેખાંકિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના કાળમાં દેશવાસીઓનો નારો હતો, ડાઈ ફોર ધ નેશન, જ્યારે આજે આપણે લીવ ફોર ધ નેશન-દેશ માટે જીવી જાણવાનો, રાષ્ટ્ર વિકાસનો નારો ગુંજતો કરવાનો છે અને અમૃત મહોત્સવે આ માટેની તક પૂરી પાડી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આ ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાની ચેતનાને વધુ બળવત્તર બનાવવા રાજ્યકક્ષાના ૧૫, જિલ્લા કક્ષાના ૨૦ અને તાલુકા કક્ષાના ૪૦ એમ મળીને કુલ ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
તેમણે આઝાદી કા અમૃત મહોત્સવમાં જનભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મહોત્સવમાં સાડા છ કરોડ ગુજરાતીઓ સહભાગી થયા તે જ આપણી “મૈં નહીં હમ”ની ભાવનાને ઉજાગર કરે છે.
તેમણે ભારતના વિકાસમાં ગુજરાતની ભૂમિકાને રેખાંકિત કરતા કહ્યું કે, દેશની આઝાદીના સંગ્રામમાં ગુજરાત કેન્દ્રબિદું હતુ, તે રીતે જ ભવિષ્યમાં તે વૈશ્વિક વિકાસનું કેન્દ્રબિદું બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વદેશી આંદોલનનું ઉદ્દગમ સ્થાન ગુજરાત ‘આત્મનિર્ભર ગુજરાત’ થી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું પણ ઉદગમ સ્થાન બની રહેશે. ગુજરાતે હંમેશાં દેશને નેતૃત્વ પુરૂ પાડ્યું છે અને આવનારા સમયમાં પણ દેશના ઉત્તરોત્તર વિકાસમાં સક્રિય યોગદાન આપતું રહશે,તેમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ યુવાશક્તિને આહવાન કરતાં કહ્યું કે, આપ સૌ દેશ માટે નિસ્વાર્થ ભાવથી અને નેશન ફર્સ્ટના સંકલ્પ સાથે કામ કરી રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં આહુતિ આપશો.
આ પ્રસંગે ગૃહમંત્રી રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમાર, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રી કિરિટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રી ગીતાબહેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા તેમ જ શહેરના કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.