આઝાદીના અમૃત પર્વની ઉજવણીમાં રાજૂપૂરાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ અનોખી રીતે જોડાઈ
: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ ની ચિત્ર કૃતિઓ…
ડેસર તાલુકાના રાજૂપુરા ગામે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ ના શિક્ષણ નું સાતત્ય જાળવવા રહેવા અને ભણવાની આદર્શ સુવિધાઓ સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નું ભારત સરકાર ની યોજના હેઠળ સંચાલન કરવામાં આવે છે.
હાલમાં નવી પેઢીને દેશની સ્વતંત્રતા માટે જંગે આઝાદીના લડવૈયાઓ એ જે સંઘર્ષ કર્યો હતો તેના થી વાકેફ કરીને સ્વતંત્રતા ની અમુલ્યતા ની ચેતના જગાવવા આઝાદી ના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણી નો પ્રારંભ દક્ષિણ ગુજરાતના દાંડીના દરિયા કાંઠે ચપટી નમક ઉપાડીને બાપુ એ, જેનો સૂર્ય કદી આથમતો ન હતો એવી બ્રિટન ની મહાસત્તાને પ્રતીકાત્મક રીતે પડકારી હતી, એ 1930 ની સાબરમતી થી શરૂ કરેલી દાંડી યાત્રાના 2021 ના સંસ્કરણ થી કરવામાં આવ્યો છે. ત્યારે ડેસર તાલુકાના રાજુપુરા ગામે ચાલતી આ કે.જી.બી.વી.ની દીકરીઓ અનોખી રીતે આઝાદીના અમૃત મહોત્સવ અને દાંડી કૂચ સ્મૃતિ ની ઉજવણીમાં જોડાઈ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી એ જણાવ્યું છે કે આ સંસ્થાની 9 માં ધોરણ ની દીકરીઓ એ અનાજ,કઠોળ અને રંગો થી બાપુના જીવન સંદેશ અને દાંડી યાત્રાનું નિરૂપણ કરતી કલાત્મક અને પ્રેરક કૃતિઓ ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બનાવી છે. અનાજ કઠોળ ના દાણાઓ સાથે રંગોનો સમન્વય કરીને બાપુની ખૂબ જ નયનરમ્ય કૃતિ બનાવી છે,તો એક ચોટદાર ચિત્રકૃતી દ્વારા 1930 ની 12મી માર્ચે બાપુ દ્વારા સ્વયં સેવકો સાથે દાંડી યાત્રા ના પ્રારંભનું દૃશ્ય કંડાર્યું છે.
અન્ય એક કૃતિમાં પિંજરમાં થી મુક્ત કરાયેલા પક્ષી ની સાથે બાપુ ને ચીતરી,સ્વતંત્રતા,વિશ્વ શાંતિ અને અહિંસાના દૂત બાપુના સંદેશ નું મનસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે.તાજેતરમાં ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ રાષ્ટ્રીય ઉજવણીમાં કલા દૃષ્ટિ સાથે જોડાવાના આ આયામ માટે કલાકાર દીકરીઓ અને માર્ગદર્શક શિક્ષકોને દિલ થી બિરદાવ્યા છે.