આઠ દિવસથી ગુમ થયેલી બાળકી અંતે છત્રાલથી મળી
અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હેબતપુર રેલવે ક્રોસિંગ પાસેથી ગુમ થયેલી બાળકીને ૮ દિવસમાં તેના પરિવારને મળી આવી છે. બાળકીના અપહરણનો ગુનો નોંધાતા બાદ પોલીસે તેની તધન તપાસ માટે મોટી ટીમ મેદાનમાં ઉતારી હતી અને તેને શોધવા માટે સોશિયલ મીડિયા અને પેમ્પ્લેટનો સહારો લીધો હતો. જેમાં સોલા પોલીસને મોટી સફળતા મળી છે.
હેબતપુરમાં રેલવે ક્રોસિંગ પાસે છાપરામાં રહેતા પસીબેનની ભત્રીજી ઘર આંગણે રમી રહી હતી અને ગુમ થઈ ગઈ હતી. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ જેપી જાડેજાએ ગરીબ પરિવારની વાતને ગંભીરતાથી લઈને બાળકીને પરત લાવવા માટે તમામ પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેના પર તેના ફોટો અને વિગતો મુકીને તેના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.
જેની સાથે ૫૦૦૦ પેમ્ફ્લેટ છપાવીને તે પણ આસપાસના વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હતા. બાળકી જ્યાંથી ગુમ થઈ હતી તેની આસપાસ અવાવરું જગ્યા હોવાથી અહીં ૭૦ પોલીસ જવાનોને ઉતારીને ર્નિજન વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, બીજી તરફ ડ્રોનનો પણ ઉપયોગ કરીને બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન ફોટો જાેઈને એક વ્યક્તિએ ફોન કરીને બાળકી મળી હોવાની જાણ કરતા પોલીસને પોતાની શોધખોળમાં સફળતા મળી છે.
રવિવારે રાત્રે છત્રાલના વાલ્મીકી વાસમાંથી કોઈને બાળકી મળી હોવાની માહિતી પોલીસ સુધી પહોંચાડવામાં આવી હતી. ઈમરાન નામના રિક્ષા ચાલક સોશિયલ મીડિયા પર જાેવા મળેલી બાળકી લઈને આવ્યો હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ ખરાઈ કરતા તે હેબતપુર રેલવે ક્રોસિંગ પરથી ખોવાયેલી બાળકી જ હોવાનું માલુમ પડ્યું હતું. ૧૦ વર્ષની છોકરીને છત્રાલ પાસે એક રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આ રિક્ષા ઈમરાન ચલાવી રહ્યો હતો. એકલી છોકરીને જાેઈને ઈમરાનને શંકા ગઈ અને તેણે રિક્ષા ઉભી રાખીને છોકરી સાથે વાત કરી તો તેણે જાણ્યું કે બાળકીએ પાટણ જવાની વાત કરી હતી. જાેકે, ઈમરાને પોતાની સમજશક્તિને કામે લગાડીને બાળકીના સગાને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા આ દરમિયાન તેણે વાલ્મિકી વાસમાં જઈને બાળકીના મા-બાપ શોધવા માટે પ્રયાસ કર્યો તો તેને સોશિયલ મીડિયા પર જાેયેલી હોવાનું માલુમ પડ્યું હતું.
આ પછી બાળકી મળ્યાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે રિક્ષાચાલક ઈમરાનની સતર્કતા અને માનવતાને બિરદાવી હતી. બાળકી મળી ગયાની જાણ થતાં તેના સગા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને અહીં ભાવુક દ્રશ્યો ખડા થયા હતા. પોલીસે બાળકીની મેડિકલ તપાસ કરાવવાની સાથે તે આટલા દિવસ ક્યાં હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.