Western Times News

Gujarati News

આઠ બેઠક ગુમાવતા કાૅંગ્રેસ પાર્ટી પાસે ૬૫ બેઠક રહી

ગાંધીનગર: ત્રીજી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે મતદાન યોજાયું હતું. આજે જાહેર થયેલા પરિણામ પ્રમાણે આ આઠેય બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે કાૅંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પહેલા આ આઠેય બેઠક કાૅંગ્રેસ પાસે હતી. રાજ્ય સભાની ચૂંટણી પહેલા કાૅંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. આ કારણે ગુજરાતમાં પેટા-ચૂંટણી યોજવી પડી હતી. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની કુલ સભ્ય સંખ્યા વધીને ૧૧૧ પર પહોંચી છે.

પેટા-ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના ૧૧૧, કાૅંગ્રેસના ૬૫, બીટીપીના ૨, એનસીપીના ૧, અપક્ષ ૧ ધારાસભ્ય રહ્યા છે. ૧૮૨ સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો ર્નિણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે. ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૯૯ બેઠક, કાૅંગ્રેસ ૭૭ બેઠક, બીટીપી ૨ બેઠક, એનસીપી એક બેઠક અને ત્રણ બેઠક પર અપક્ષ ધારાસભ્યનો વિજય થયો હતો.

જોકે, ત્રણમાંથી બે અપક્ષ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. આ બંને બેઠકમાં મોરવા હડફ અને લુણાવડાનો સમાવેશ થાય છે. જ્યારે વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર બીટીપી પાર્ટીનો વિજય થયો હતો. કુતિયાણા બેઠક પર એનસીપીના કાંધલ જાડેજાનો વિજય થયો હતો.

૨૦૧૯ના વર્ષમાં ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટા-ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરાઈવાડી બેઠક પર ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. લુણાવાડા બેઠક પર ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. ખેરાલુ બેઠક પરથી ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. જ્યારે થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. આ ઉપરાંત કાૅંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા બેઠક ખાલી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.