આઠ મહિનાથી ગેરહાજર ACBના PI વિરૂદ્ધ ફરિયાદ
કંટ્રોલરૂમમાં બીમારીનું બહાનું બનાવી રજા પર ઉતરતાં પોલીસતંત્રમાં ચર્ચાએ જાેર પકડ્યું
(એજન્સી) અમદાવાદ, શાહીબાગ ડફનાળા ખાતે આવેલી એસીબીની વડી કચેરીના પીઆઈ કંટ્રોલરૂમમાં ફોન કરી બીમારીનું બહાનું બતાવીને છેલ્લા આઠ મહિનાથી રજા પર રહેતાં તેમની સામે હુકમનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્રણ વાર હાજર થવા નોટિસ આપી છતાં એસીબી પીઆઈ હાજર ન રહેતા દાળમાં કંઈક કાળું હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) ના પીઆઈ સી.યુ. પરેવાએ એસીબીના પીઆઈ પ્રવિણ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં એસીબીમાં ફરજ બજાવતા પ્રવીણ ચૌધરી તા.૩૦.૧૧.ર૦ર૧ના રોજ એસીબી કંટ્રોલરૂમ ખાતે ટેલિફોનિક વર્ધી લખાવીને રજા પર ઉતરી ગયા હતા.
પીઆઈ પ્રવીણ ચૌધરી જુલાઈ-ર૦ર૧થી અચાનક રજા પર ઉતરી ગયા બાદ આઠ મહિના થયા હોવા છતાં પણ આજદિન સુધી પોલીસ સ્ટેશનમાં હાજર ન રહેતા દાળમાં કંઈક કાળું હોય તેમ લાગી રહ્યું છે. પીઆઈ રજા પર હોવાથી પોલીસતંત્રમાં હાજર ન થતાં ચર્ચાએ જાેર પકડયું છે.
પીઆઈ પ્રવીણે બીમારીની રજા અંગે કોઈ સર્ટીફિકેટ પણ રજૂ કર્યું ન હતું જેથી પીઆઈ સી.યુ. પરેવાએ તેમને નોટિસ પણ આપી હતી. ત્રણ વાર નોટિસ આપવા છતાં આજદિન સુધી તેઓ ફરજ પર હાજર થયા ન હતા. વારંવાર નોટિસ આપવા છતાં તેઓ હાજર ન થતા પીઆઈ પ્રવીણ ચૌધરી સામે હાજર થવાના હુકમનો ભંગ કરતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક પોલીસ તેમજ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સહિતના ઘણા કર્મચારીઓ કોઈને પણ જાણ કર્યા વગર રજા પર ઉતરી જાય છે. આ કર્મચારીઓ ઘણા સમય સુધી ડયુટી પર હાજર ન રહેતા તેમને ઉચ્ચ પોલીસ અધિકારી નોટિસ પાઠવે છે.
તેમ છતાં પણ આ કર્મચારીઓ તેમના હુકમનું પાલન કરતા નથી, જેથી આવા કર્મચારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓને ફરજ પડે છે.