આઠ વર્ષની બાળકીને પીંખી નાંખનાર ઘાતકી હત્યારો અમદાવાદમાંથી ઝડપાયો

અમદાવાદ: મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીની વટવા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસની આશંકા પ્રબળ બની હતી અને ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે પોલીસ તપાસ દરમિયાન કેદાર પટેલ નામના વ્યક્તિના જુના મકાન પાછળ આવેલા ટપરામાં ભરેલા ભુસામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોકસો અને હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ દરમિયાન કેદાર પટેલનો દીકરો નીતિન પટેલ ફરાર હોવાનુ જાણવા મળ્યુ હતું.જેથી પોલીસને તેની પર શંકા હતી. જ્યારે મધ્ય પ્રદેશ પોલીસને નીતિન વટવા જી.આઇ.ડી.સી માં હોવાનુ જાણવા મળતા તેમને વટવા પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપીની વિગતો આપી હતી. જાેકે, શંકાવળી જગ્યાએ તપાસ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ૫મી જૂનના બપોરે બારેક વાગ્યાની આસપાસ આ બાળકી તેના ઘર પાસે રમતી હતી. જ્યારે તે આરોપીના ઘરે ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને આરોપી બાળકીને પકડીને ઢસડીને તેના ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી. ગુનો છુપાવવા માટે તેના મૃતદેહ ને ઘઉં ના ભૂસામાં સંતાડી દીધો હતો.
બાદમાં તે તેના ગામથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયો હતો. પોલીસે આરોપીને વટવા જી.આઇ.ડી. સીમાં આવેલા જેક્શન કંપનીના ગોડાઉનમાંથી ઝડપી પાડયો છે.નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ પોલીસે આરોપી અંગેની જાણકારી આપનારને રૂપિયા ૩૦ હજારના ઈનામની પણ જાહેરાત કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.