આઠ વર્ષ અગાઉ યુવકની હત્યા કરનારા ૮ આરોપીને આજીવન કેદ
ડી.જે. સાઉન્ડ સીસ્ટમ ભાડે આપવાનું કામ કરનાર મૃતક લતેશ જાદવ પર હુમલો કરનારાઓમાં આઠ હુમલાખોરોનો થયો હતો સમાવેશ
વડોદરા, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ લતેશ જાદવ નામના યુવાનની થયેલી હત્યાના હુમલાખોરોને તકસીરવાન ઠેરવીને અદાલતે આજીવત કેદની સજા ફટકારવાનો ચુકાદો આપ્યો હતો. ડી.જે. સાઉન્ડ સીસ્ટમ ભાડે આપવાનું કામ કરનાર મૃતક લતેશના પિતાને પચાસ હજારની ચુકવણી કરવાનો પણ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર ગોત્રી સ્મશાન પાસે લતેશ ચન્દ્રકાન્ત જાદવ નામના યુવાનની આઠ વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી. લતેશ જાદવ ડીજે સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવાનું કામ કરતો હતો. તેનો જે તે સમયે પકિયા ઉર્ફે પ્રકાશ મગનભાઈ દોડીયા નામના ગેંગસ્ટરના ભાઈ સાથે મારામારી થઈ હતી.
આ ઝઘડો ઉગ્ર બનતા ગોત્રી સ્મશાન પાસે જે તે સમયે રાજન ઉર્ફે સન્ની લક્ષ્મણ ઠાકોર, સતીષ ઉર્ફે બોકી ભીખા પઢીયાર, કિરણ જ્ઞાનેશ્વર ખડદકર, પકિયો ઉર્ફે પ્રકાશ મગનભાઈ દોડીયા, ફિરોજ સત્તારભાઈ ઘાંચી, પીયુષ ઉર્ફે પીન્ટુ જગદીશભાી રોહીત, હીરેન ઈશ્વરભાઈ મકવાણા વગેરેએ હુમલો કરીને લતેશની હત્યા કરી હતી. જે તે સમયે ઘટના સ્થળેથી ૭.૬પ એમએમ પિસ્તોલ કારતૂસ મળી આવ્યા હતા.
જેથી આ હત્યા ટાણે ગોળીબાર પણ થયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે વડોદરાના પાંચમા એડીશનલ સેશન્સ જજ મમતા કે. ચૌહાણની કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે સરકારી વકીલ પી.સી. પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને પકિયા ઉર્ફે પ્રકાશ મગનભાઈ દોડીયા સહિત આઠ હુમલાખોરોને કસુરવાર ઠેરવીને હત્યાના મામલે આજીવન કેદની સજા સહિત દંડ ફટકાર્યો હતો.