આડા સંબંધોની શંકાએ માર મારતા પતિ સામે ફરિયાદ
અમદાવાદ, શંકાની સોય જીવતર ધૂળધાણી કરી નાખે છે. દરેક બીમારીની દવા મળી રહે છે પણ શંકાની નહીં. આવો જ શંકાશીલ સ્વભાવ રાખતા એક પતિએ પોતાની પત્નીનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું. અમદાવાદમાં રહેતી એક મહિલાનો પતિ ધોરણ ૩ સુધી ભણેલો છે.
મહિલાની બહેનપણી વિદેશમાં રહેતી હોવાથી નવો મોબાઈલ ફોન તેને ગિફ્ટમાં મોકલ્યો હતો. બંને બહેનપણીઓ મેસેજમાં અંગ્રેજીમાં વાતો કરતી હતી. આ જાેઈને મહિલાનો પતિ વહેમાયો હતો. પત્ની પર શંકા રાખીને પતિ તેને માર પણ મારતો હતો. જેથી કંટાળીને આ મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માગી હતી.
અભયમની ટીમને એક મહિલાએ ફોન કરીને જાણ કરી હતી કે, તેનો પતિ ખોટા વહેમ રાખીને ઝઘડો કરે છે, મારઝૂડ કરે છે. અભયમની ટીમને મહિલાએ ઘરે બોલાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. ઘરે પહોંચીને ટીમે પૂછપરછ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે, મહિલાનો પતિ ધોરણ ૩ સુધી જ ભણેલો છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
આ દંપતીની આર્થિક સ્થિતિ સારી નહોતી જેથી મહિલાની વિદેશમાં રહેતી બહેનપણીએ રોજબરોજની વાતચીત માટે તેને એક મોબાઈલ ભેટમાં આપ્યો હતો. ત્યારથી પતિ પત્ની પર શંકા કરતો હતો. મહિલાને તેની બહેનપણી મેસજ કરે ત્યારે પતિ તેની પાસેથી ફોન છીનવી લેતો બતો અને કોઈ મેસેજ કરે છે તેવો વહેમ રાખીને માર મારતો હતો.
પતિની આવી હરકતોથી તંગ આવેલી પત્નીએ ફોન રાખવાની ના પાડી છતાં પણ પતિ ન સુધર્યો અને મારઝૂડ ચાલુ રાખી હતી. છેવટે મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માગી હતી. અભયમની ટીમે આ દંપતીના ઘરે જઈને પતિનું કાઉન્સિલિંગ કર્યું હતું. અભયમની ટીમે પતિને પત્ની પર ખોટો વહેમ ના કરવાનું સમજાવ્યું હતું.
પતિને અંગ્રેજી આવડતું નથી અને તેની પત્ની અંગ્રેજીમાં કોઈને મેસેજ કરતી હોવાથી આડા સંબંધ હશે, તેમ તેણે અભયમને જણાવ્યું હતું. ત્યારે અભયમની ટીમે પત્નીના મેસેજ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પતિને વંચાવ્યા હતા. જે બાદ પતિને તેની ભૂલ સમજાતા તેણે પત્નીની માફી માગી હતી. એટલું જ નહીં ફરીવાર મારઝૂડ નહીં કરે તેની બાંહેધરી આપી હતી. આ રીતે અભયમની ટીમે એક ઘર તૂટતું બચાવ્યું હતું.SSS