આડેધડ વાહન પાર્ક કરતાં હોવ તો ચેતી જજો, આસપાસના રહીશો આવું પણ કરી શકે છે

પ્રતિકાત્મક
અનાડીઓમાં પાર્કિંગ સેન્સ લાવવા રહીશોએ વાહનોની ‘હવા કાઢી’
અમદાવાદ, શહેરના અનેક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સ તો નથી જ પરંતુ પાર્કિંગની સેન્સ પણ નથી તેવું લાગી રહ્યું છ. જેના કારણે હવે સોસાયટીઓના રહીશોએ આવા અનાડીઓમાં પાર્કિંગ સેન્સ આવે તે માટે લાલ આંખ કરી છે. જાે કોઈ પણ સોસાયટીના ગેટ પાસે કે આડેધડ જગ્યા પર વાહન પાર્કિંગ કર્યું તો રહીશો સીધા ટાયરની હવા કાઢી નાખશે.
અમદાવાદમાં કેટલીક સોસાયટીની બહાર પાર્કિંગ કરાતા વાહનોની હવા નીકળી ગઈ હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર એ.કે. સિંઘે અમદાવાદીઓને ટ્રાફિકના નિયમોનું પાલન ચુસ્ત કરતા શીખવાડી દીધું હતું. અમદાવાદીઓમાં ટ્રાફિક સેન્સ નહીં હોવાને કારણે ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને લોકો આડેધડ વાહન પાર્કિંગ કરતા હતા. જયાં ત્યાં પાર્કિંગ થતું હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે પરંતુ સ્થાનિકોને અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે.
લોકોમાં ટ્રાફિકની સેન્સ આવે તેમાટે ટ્રાફિક પોલીસ અવારનવાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરતી હોય છે પરંતુ નિયમો ડ્રાઈવ પૂરતા સીમિત થઈ જાય છે. અમદાવાદીઓમાં ટ્રાફિક સેન્સની સાથે સાથે પાર્કિંગ સેન્સ પણ નથી જેના કારણે રહીશો વિફર્યા છે.
શહેરની ગલીઓને પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધી ઃ ઝડપથી પહોંચી જવાની લાયમાં ચાલકો રોડ ઉપર અને નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પોતાના વાહનો પાર્ક કરીને જતા રહે છે. જેના કારણે ટ્રાફિક પોલીસ તેમના વાહનો ઉપાડી લઈ જાય છે. વાહન ટો થઈ ગયા બાદ મોટો દંડ ભરીને અથવા તો લાગવગ લગાવીને વાહનો છોડાવી લેતા હોય છે.
ટ્રાફિક પોલીસ વાહન ટો ના કરે તે માટે અમદાવાદની ગલીઓને વાહનચાલકોએ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધી છે. જાહેર રોડ પર ટ્રાફિક પોલીસથી બચવા માટે હવે વાહનચાલકો અમદાવાદની નાની નાની ગલીઓમાં પોતાનાં વાહન પાર્ક કરીને જતા રહે છે. જેના કારણે બીજા વાહનો કાઢવામાં પ્રોબ્લેમ સર્જાય છે. પાર્કિંગના કારણે અન્ય વાહન નીકળવામાં વાહનોને નુકસાન પણ થાય છે. વાહનોની સાઈડ લાઈટ તુટે અથવા તો મિરર તુટી જાય છે જેનો ખર્ચો સીધો વાહનચાલક ઉપર જાય છે.
વાહનચાલકોમાં વાહન પાર્ક કરવાની સેન્સ બિલકુલ નથી જેના કારણે હવે કેટલાક સ્થાનિક રહીશોએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે. સોસાયટીના ગેટની બહાર લોકો ગમે તેમ વાહન પાર્કિંગ કરતા હોય છે જેના કારણે સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
મુશ્કેલીઓનો અંત લાવવા માટે હવે સોસાયટીના રહીશોએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે પહેલા તે વાહનચાલકોને બેફામ ગાળો બોલે છે અને બાદમાં કારનો કાચ તોડી નાખે અથવા તો હવા કાઢી નાખે છે.
ચાની કીટલી અને પાનના ગલ્લાવાળા એલર્ટ મોડ પર ઃ જાે ભુલથી પણ સોસાયટીના ગેટ પર વાહન પાર્ક કર્યું તો રહીશો ગાળો બોલીને હવા કાઢી નાખે તે માટે ચાલકની સેફટી માટે ચાની કીટલી અને પાનના ગલ્લા વાળા આગળ આવી જાય છે. વાહન પાર્ક કરે તે પહેલાં ચાલકને આખી હકીકત સમજાવી દેવાય છે અને રહીશોના સ્વભાવ અંગેની જાણકારી આપી દેવાય છે.