આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે હત્યા
સુરત: આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં ધોળા દિવસે કરપીણ હત્યા થતા સુરત અને આણંદ પંથકમાં ચકચાર મચી છે. આણંદના ગુનાગારોના ઈતિહાસમાં નામચીન બનેલા સિધ્ધાર્થ રાવે ખંડણી, અપહરણ, લૂંટ, ઉંચા વ્યાજે નાણાં ધીરવા અને ધાક-ધમકી આપવી જેવા ગુનાઓ આચરી આણંદમાં ખૌફ ઉભો કર્યો હતો. ગુનાહિત માનસિકતામાં નશાના આદિ બનેલ સિધ્ધાર્થ રાવ દિવંગત ડી.વાય.એસ.પી કીરીટ બ્રહ્મભટ્ટનો દોહીત્ર હતો.
આણંદ અને વિદ્યાનગરમાં સિધ્ધાર્થના નામે ધાક ધમકી, અપહરણ, લૂંટ અને ઉંચા વ્યાજનું ધીરધાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કિશોર અવસ્થાથી નાના મોટા ગુના આચરી કુખ્યાત બનેલા નામચીન સિદ્ધાર્થ રાવની સુરતમાં ધોળા દહાડે ઘાતકી હત્યા થતાં સુરત સહિત આણંદ પંથકમાં ભારે સનસનાટી મચી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે ૩૨ વર્ષીય સિધ્ધાર્થ રાવ ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર થઈ ગયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા નજીક જાહેરમાં સિધ્ધાર્થ રાવ ઉપર બુધવારે સવારે ૮.૩૦ આસપાસ ખૂની ખેલમાં ખેલાયો હતો. હુમલાખોરના હુમલામાં સિદ્ધાર્થ રાવ ઈનોવા કારની ડ્રાયવીંગ સીટ ઉપર જ ઢળી પડ્યો હતો. ઇજા ગ્રસ્ત સિધ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બાબતે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદ શહેરના બાકરોલ રોડ પર આવેલા સિદ્ધાર્થ કુટીરમાં રહેતા નામચીન સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈને સુરત રૂપિયા લેવા આવ્યો હતો. રૂપિયા ની લેતી દેતીના વિવાદમાં જ તેની જ હત્યા થઈ હોવાની ચર્ચા ટોકઓફ ધી ટાઉન થઈ છે. જાેકે, હજુ સુધી સિદ્ધાર્થ રાવની ઘાતકી હત્યા પાછળનું સચોટ કારણ પ્રકાશમાં આવ્યું નથી. જાણવા મળ્યા મુજબ પોલીસે ત્રણ શકમંદોને પણ અટકમાં લીધા છે.
સુરતમાં બુધવારના રોજ આણંદના સિદ્ધાર્થ રાવની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. સિદ્ધાર્થ રાવ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હતો. આણંદ વિદ્યાનગરમાં ખંડણી, અપહરણ, લૂંટ અને ધમકી આપવી વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત થયેલ સિધ્ધાર્થ રાવને અગાઉ વિદ્યાનગર પોલીસે લૂંટના ગુનામાં ઝડપી તેનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. આ સાથે પોતાનો ખૌફ બતાવી લોકોને ડરાવી રહેતા કહેવાતા આ ગુંડાને જાહેરમાં પોલીસે ઉઠ-બેસ કરાવી હતી.
વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી સિદ્ધાર્થ રાવનો ખૌફ એટલો છે કે તેના વિરૂદ્ધ ફરિયાદ કરતાં પણ લોકો ડરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં સિદ્ધાર્થ રાવને એક યુવતી અને તેના મિત્ર સાથે અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિદ્ધાર્થ રાવની હત્યા થતાંની સાથે જ તેના ગુંડાગીરીના સામ્રાજ્યનો આજે અંત આવ્યો હતો. વ્યસનોથી ઘેરાયેલ અને ગુનાહિત માનસિકતા ધરાવતા સિધ્ધાર્થ રાવ નું કુટુંબ સ્વામિનારાયણ સત્સંગી છે.
પિતા સંદીપભાઈ રાવ વલાસણ સ્વામિનારાયણ સ્કૂલના સંચાલક મંડળના સભ્ય છે.સિધ્ધાર્થ કિશોર વય થી જ માથાભારે માનસિકતા ધરાવતો હતો.સિદ્ધાર્થ રાવના નામે સાત જેટલા લૂંટ તેમજ મારામારીના ગંભીત ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધાર્થ કુટુંબમાં એકનો એક દીકરો હતો.એકના એક દીકરાની અચાનક હત્યાથી કુટુંબમાં ઘેરી ગમગીની અને શોક વ્યાપ્યો છે.