આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે અથડામણ બે લોકો ઘાયલ
આણંદ: આણંદમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે પથ્થરામારો થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. જ્યારે આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. જાે કે, અથડામણને કારણે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આણંદના ગોપાલપુર ગામમાં બેસવા બાબતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યો હતો.
જાે કે, જુથ અથડામણ બાદ પોલીસ દ્વારા ૪ જેટલા ગ્રામજનોની અટકાય કરવામાં આવી છે અને ગામમાં વાસદ પોલીસ, એસઓજી અને એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જાે કે, સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. હાલ ગોપાલપુર ગામમાં સ્થિતી સમાન્ય થઈ ગઈ છે.