આણંદના થામણા ખાતે યોજાયેલા NCC એડવાન્સ્ડ લીડરશીપ કેમ્પને સફળતા મળી
ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા આણંદ (ગુજરાત)ના થામણામાં ALC-III ખાતે 17 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2020 દરમિયાન 12 દિવસ માટે કેન્દ્રિય ધોરણે ‘એડવાન્સ્ડ લીડરશીપ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ NCC ડાયરેક્ટોરેટમાંથી પસંદગી પામેલા કુલ 300 SD કેડેટ્સે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર આર.કે. ગાયકવાડના નેતૃત્ત્વમાં આ કેમ્પમાં ભાગ લીધો હતો.
ભાગ લઇ રહેલા મોટાભાગના કેડેટ્સે તેમની કારકિર્દીના પ્રથમ વિકલ્પ તરીકે ‘સશસ્ત્ર દળો’માં જોડાવાનું પસંદ કર્યું છે અને તેઓ ‘ઓફિસર’ રેન્ક માટે UPSCની પરીક્ષા આપશે. આ કેમ્પમાં NCCના કેડેટ્સને ‘સર્વિસ સિલેક્શન બોર્ડ’ (SSB)ની પરીક્ષા આપવા માટે વધુ ફળદાયી તૈયારી કરવાની તક પૂરી પાડવામાં આવી હતી.
NCCના કેટલાક ‘સશસ્ત્ર દળ અધિકારીઓ’ પસંદગી પામેલા 300 NCC કેડેટ્સની લીડરશીપ તાલીમ આપવામાં જોડાયા હતા. મનોચિકિત્સક, ગ્રૂપ ટેસ્ટિંગ ઓફિસર અને ઇન્ટરવ્યુ ઓફિસર તરીકે અનુભવ સાથે જે તે ક્ષેત્રના નિષ્ણાતોએ કેમ્પ દરમિયાન કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. NCCના કેડેટ્સને વ્યક્તિત્વ વિકાસની વિજ્ઞાનિક પ્રક્રિયા, વ્યવહાર કૌશલ્યનો વિકાસ, વધુ જાગૃતિ અને લીડરશીપ તેમજ મેનેજમેન્ટની વિવિધ ટેકનિક્સમાં શરૂઆત દ્વારા અધિકૃત ‘લીડરશીપ તાલીમ’ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં શરૂઆતમાં બે દિવસ ખાસ કરીને ‘CADET’ (કોમ્પ્રિહેન્સિવ ઓલ-રાઉન્ડ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રેનિંગ) નામના કાર્યક્રમ આધારિત આઉટડોર પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ EXPA દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં ‘ICE બ્રેકર્સ’ કવાયતો કરવામાં આવી હતી અને બાદમાં કમ્યુનિકેશન ટેકનિક્સ, સ્વયં સમજણ, સાંભળવાનું કૌશલ્ય, ટીમ નિર્માણની કવાયત, આત્મવિશ્વાસ નિર્માણ, સર્જનાત્મક વિચારશૈલી અને જાહેરમાં બોલવાની ટેકનિક્સ જેવા વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિગેડિયર આર.કે. મગોત્રા, ગુજરાત DDG NCC ડાયરેક્ટોરેટ, 20 જાન્યુઆરી 2020ના રોજ કેમ્પની મુલાકાતે આવ્યા હતા અને કેડેટ્સને આપવામાં આવતી તાલીમની સમીક્ષા કરી હતી.
ગુજરાત NCC ડાયરેક્ટોરેટના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે 23 જાન્યુઆરી 2020ના રોજ કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું અને કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો. કેડેટ્સને આપવામાં આવેલી સૂચનાઓ વિશે વ્યાપક મૂલ્યાંકન કરતી વખતે, તેમણે અહીં અમલમાં મૂકવામાં આવેલી શિક્ષણની સર્જનાત્મક ટેકનિક્સની પ્રશંસા કરી હતી અને તાલીમાર્થીઓના વ્યક્તિત્વમાં દેખીતો તફાવત આવ્યો હોવાનું નોંધ્યું હતું. જનરલ ઓફિસર ગ્રૂપ ચર્ચા, સમાચારોનું વિશ્લેષણ, ચર્ચા અને કેડેટ્સના વક્તવ્યોના સાક્ષી બન્યા હતા અને પોતાના અનુભવો પણ તેમને જણાવ્યા હતા. સત્રના અંતે, તેમણે કેડેટ્સ અને કેમ્પના સ્ટાફને સંબોધન કર્યું હતું અને તેમના લક્ષ્યો પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે કેમ્પમાં સફળતા માટે પોતાની ફરજ પ્રત્યે સમર્પિત રહેનારા NCCના સ્ટાફને પુરસ્કાર આપ્યા હતા.
કેમ્પમાં વધુ વિશિષ્ટતા લાવવા માટે કેટલીક ઇન્ટર ડાયરેક્ટોરેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તવ્યો અને ચર્ચા સ્પર્ધા ઉપરાંત રમતગમતના કાર્યક્રમોમાં વોલિબોલ, ક્રોસ કન્ટ્રી અને ટગ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે NCC કેડેટ્સ દ્વારા પ્રભાવશાળી પરેડ કરવામાં આવી હતી જેનાથી ઉમરેઠ અને થામણાના પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
‘અમુલ દુધ કલેક્શન પોઇન્ટ’ અને ‘મોંડેલ ફાર્મિંગ ટેકનિક’ની સહેલ તેમજ ‘સ્વદેશ’ વક્તવ્ય, પ્રેઝન્ટેશન અને થામણાના સરપંચ શ્રી ચંદ્રકાંત પટેલ (મુખી) સાથે ચર્ચા સત્રનું આયોજન કરવાથી NCC કેડેટ્સની ક્ષિતિજો વિપુલ પ્રમાણમાં વિસ્તરી હતી.
કેડેટ્સના જણાવ્યા અનુસાર, મનોવિજ્ઞાન વિશે તેમની બહેતર સમજણ, ગ્રૂપ ટેસ્ટિંગ અને ‘SSB પ્રક્રિયાઓ’ના પાસાઓની પ્રશ્નોત્તરી આ કેમ્પમાં મુખ્ય બાબતો રહી અને આ બધાથી વિશેષ, વાસ્તવિક જીવનની પરિસ્થિઓમાં નેતૃત્ત્વ તેમજ કમ્યુનિકેશનના અમલીકરણ દ્વારા આ કૌશલ્યમાં વધારો તેમના માટે મુખ્ય રહ્યા હતા. તમામ કેડેટ્સે એકસાથે એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેમને આ કેમ્પના યાદગાર અનુભવથી અત્યંત લાભ થયો છે.
આ કેમ્પનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ અને કેમ્પ કમાન્ડન્ટ બ્રિગેડિયર આર.કે. ગાયકવાડના સમાપન સંબોધન સાથે થયું હતું. પરંપરાગત ‘કેમ્પ બરખાના’ પછી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનારા કેડેટ્સનો પ્રતિભાવ અને પ્રતિક્રિયાઓ ખૂબ આનંદદાયક રહ્યા હતા. કેડેટ્સ 28 અને 29 જાન્યુઆરી 2020ના રોજ તેમના ઘરે રવાના થયા હતા.
ઓફિસર રેન્ક માટે ‘NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ’ એ ‘C’ પ્રમાણપત્ર (ઓછામાં ઓછુ ‘B’ ગ્રેડિંગ) સાથેના NCC કેડેટ્સ માટે પ્રોત્સાહક છે. યોગ્યતા ધરાવતા NCC કેડેટ્સ માટે આ સોનેરી તક છે કારણ કે, ભારતીય સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશનની મંજૂરી માટે તેમને UPSC દ્વારા યોજાતી ‘કોમન એન્ટ્રન્સ પરીક્ષા’ આપવાથી મુક્તિ આપવામાં આવે છે અને સીધા જ SSB માટે બોલવવામાં આવે છે. દરેક બેચમાં આ અધિકારીઓની જગ્યાઓ 45 NCC પુરુષ અને 05 NCC મહિલાઓ માટે રાખવામાં આવે છે.