આણંદના વેપારીને છોડાવવા હાઈકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કરનાર પકડાયો
વડોદરા પોલીસે અમદાવાદમાં છાપો મારીને ઝડપી લીધો
આણંદ, આણંદમાં ગત વર્ષે રેમડેસીવર ઈન્જેક્શનના કેસમાં જેલમાં ધકેલાયેલા વેપારીને છોડાવવા હાઈકોર્ટનો બનાવટી ઓર્ડર ઈસ્યુ કરનાર અમદાવાદના આશીષ શાહે વડોદરાના કુખ્યાત બુટલેગરને બહેનનો મરણનો ખોટો દાખલો પણ કાઢી આપ્યો હતો. આમ બબ્બે બોગસ દસ્તાવેજ સંદર્ભે વડોદરા પોલીસ અમદાવાદ છાપો મારી તેની ધરપકડકરી છે.
ચાર દિવસ પહેલા આણંદના વેપારી જતીન પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તે રેમડેસીવર કેસના ગુનામાં વડોદરાની જેલમાં હતો ત્યારે તેને આશીષ શાહ અમદાવાદનો નંબર મળ્યો હતો. જે નંબર તેણે પિતાને આપ્યો હતો. તેમણે આશીષ શાહ સાથે ફોન ઉપર વાત કરી હતી.
આશીષે તેમની પાસેથી રૂા. અઢી લાખ લઈ હાઈકોર્ટનું બનાવટી જામીન ઓર્ડર આપ્યો હતો. જે વડોદરા મધ્યસ્થ જેલમાં રજુ કરવામાં આવ્યો હતો. આ લેટર બોગસ હોવાનું ખુલ્યું હતું. જેને પગલે જતીન પટેલે વિદ્યાનગર પોલીસ મથકે તાજેતરમાં જ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની સાથે જ વડોદરામાં પણ આશીષ શાહ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.
વડોદરાના બુટલેગર અલ્પેશ સીંધી ઉર્ફે અલ્પુ વાઘવાણી દારૂના એક કેસમાં જેલમાં ધકેલાયો હતો. તેણે જામીન પર છોડાવવા હાઈકોર્ટમાં અલ્પુની બહેન અલ્પા (રહે.મુંબઈ મહાપાલિકા)નો મરણનો દાખલો રજુ કર્યાે હતો. હાઈકોર્ટે આ અંગે મુંબઈ મહાપાલિકાનો અભિપ્રાય માંગ્યો હતો ત્યારે ત્યાંથી આ મરણ દાખલો બોગસ હોવાનું જણાવ્યું હતું.
જેને પગલે તરત જ અલ્પેશ સીંધીની જામીન અરજી પરત ખેંચી લેવાઈ હતી. બીજી બાજુ તેની પત્ની વિરૂદ્ધ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે તેની પૂછતાછ કરી હતી.
જેમાં આ દાખલો તેણે આશીષ પ્રબોદ શાહ (રહે.વાસણા, અમદાવાદ) આપ્યો હોવાનું ખુલતા પોલીસે છાપો મારી તેની ધરપકડ કરી હતી. આશીષ શાહ આ રીતે પેરોલના નામે છેતરપિંડીના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો. વડોદરામાં તેની ધરપકડ પણથઈ હતી. એટલે તેની ટોળીને શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે.