આણંદના ૧૫૫ સખીમંડળના જુથોને ૧.૫૫ કરોડના ધિરાણના ચેક વિતરણ કરાયા
૪૨૪ સખીમંડળના જુથોને રૂા. ૪ કરોડ ઉપરાંતનું ધિરાણ મંજુર કરાયું
સખીમંડળ દ્વારા ગામડાની બહેનોનો સુખના દિવસ આવ્યા છે:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર
બેંકના સહયોગથી સખીમંડળના બહેનોનું સાચા અર્થમાં સશકિતકરણ થયું છે: ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલ
આણંદ ટાઉનહોલ-આણંદ ખાતે આજે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત આણંદ જિલ્લાના સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવી બહેનોનું સશકિત કરણ કરવાના ભાગરૂપે જિલ્લાના ૧૫૫ સખી મંડળોને વિવિધ બેંકના ક્રેડીટ કેમ્પ દ્વારા મંજુર કરવામાં આવેલ રૂા. ૧.૫૫ કરોડના ધિરાણના ચેક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર, ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલ અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના ૪૨૪ સખીમંડળોના જુથને રૂા. ૪.૦૦ કરોડ ઉપરાંતનું ધિરાણ પણ મંજુર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારે સખીમંડળ દ્વારા ગામડાની બહેનોને પગભર બનાવી છે તેમ જણાવી સખીમંડળ દ્વારા ગામડાની બહેનોના સુખના દિવસ આવ્યા છે, ગામડાની બહેનો મહેનત કરે છે તેનું પરિણામ હવે મળ્યું છે બહેનો પગભર બની છે પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બને છે. બહેનો બેંક મિત્ર તરીકે ફરજ બજાવીને અન્ય મહિલાઓને પણ બેંક દ્વારા આપવામાં આવતી લોન અંગેની જાણકારી આપે છે અને ગામડાની મહિલાઓ હવે બેંક માં જાય છે અને ધિરાણ મેળવે છે અને સ્વરોજગાર દ્વારા આવક મેળવે છે જે સરાહનીય બાબત છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વધુમાં તેમણે બહેનોને નીતિ સાચી રાખી મહેનત કરશો તો સફળતા દજરૂર મળશે તેમ જણાવી સખીમંડળની બહેનોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે એટલે તમે પગભર બન્યા છો ત્યારે બેંક તમારે માટે મંદિર છે એટલે બેંકના હપ્તા પણ નિયમિત ભરજો એવી આશા વ્યકત કરતા જીવનમાં સફળતાના શિખરો સર કરો ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવી હતી. ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘ દ્રષ્ટીના કારણે જે તે સમયે શરૂ કરવામાં આવેલ સખીમંડળોના કારણે આજે ગામડાની બહેનોના ખુશાલીના દિવસો આવ્યા છે, બેંકના સહયોગથી સખીમંડળના બહેનોનું સાચા અર્થમાં સશકિતકરણ થયું છે તેમ જણાવ્યું હતું.મિશન મંગલમ ખાતે ફરજ બજાવતા શ્રી બીનાબેન ત્રિવેદીએ જો બેંકના અધિકારીઓનો સહયોગ ના મળે તો સખીમંડળો અધુરા છે.
જિલ્લાના ૧૦ હજાર જેટલા સખી મંડળોને બેંક ધિરાણ આપે છે તેથી જ સખીમંડળોને રોજગારી મળે છે અને સખીમંડળના માધ્યમથી ગામડાની બહેનો સંગઠિત બની છે તેમ જણાવ્યું હતું. સ્વ રોજગાર તાલીમ સંસ્થાના નિયામકશ્રી આર.કે. મકવાણાએ સખીમંડળો બહેનોનો જુસ્સો છે બહેનોમાં જે શકિત છે તેને બહાર લાવવાનું કામ કર્યુ છે ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી લોનનો સદઉપયોગ કરી આર્થિક રીતે પગભર બની પોતાનું હને પોતાના કુટુંબનું જીવન ધોરણ સારૂ બનાવી શકશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર અને મહાનુભાવો દ્વારા જિલ્લાના સખીમંડળના બહેનો પૈકી બેંક મિત્ર તરીકેનું શ્રેષ્ઠ કામ કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
સખીમંડળના બહેનોએ પોતાના અભિપ્રાય વ્યકત કર્યા હતા અને સખીમંડળમાં જોડાયા બાદ પગભર બન્યા અને પોતાના કુટુંબને હવે આર્થિક મદદરૂપ બની શકે છે તેમ જણાવ્યું હતું. પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મીશ્રી અજીતભાઇએ સૌનો આવકાર કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, અંતમાં આભારવિધિ મિશન મંગલમ શાખાનાશ્રી આરતીબેને કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી બીનાબેન પટેલ, સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામકશ્રી આર.કે.મકવાણા, લીડ બેંક મેનેજરશ્રી પ્રદિપ ચૌહાણ, વિવિધ બેંકના મેનેજરશ્રીઓ,સખી મંડળના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.