આણંદમાં પિતાએ બે માસૂમ દીકરીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી
આણંદ: આણંદ શહેરમાં હત્યા અને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પિતાએ પોતાની બે દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. બનાવમાં પિતા અને બે માસૂમ દીકરીનાં મોત થયા છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. પોલીસને તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી હોવાની વાત બહાર આવી છે. સુસાઇડ નોટમાં વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
બનાવની વિગતે વાત કરીએ તો આણંદમાં એક વ્યક્તિએ તેની બે માસૂમ પુત્રીઓની હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પિતાએ શા માટે તેની બે માસૂમ દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો તેનું કારણ અકબંધ છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં.
મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે મેલડી માતાના ફળિયા ખાતે આ બનાવ બન્યો હતો. અહીં રહેતા લાલુ પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતં. લાલુ પ્રજાપતિના ઘરમાંથી તેની છ વર્ષની દીકરી માનસી અને ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીનાં મૃત્યદેહ મળી આવ્યા છે.
આથી આશંકા સેવવામાં આવી રહી છે કે પિતાએ બે દીકરીની હત્યા કરીને પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હશે.લાલુ પ્રજાપતિના ઘરમાં તપાસ કરતા પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લાલુ પ્રજાપતિએ પોતાની ઈચ્છાથી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.