આણંદમાં ૭ વર્ષના બાળકને ઝેર પીવડાવનાર પાડોશી મહિલા ઝડપાઈ

પ્રતિકાત્મક
(એજન્સી)વડોદરા, આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સાત વર્ષના એક બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક આઈઆસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ભાનમાં આવતાં માલુમ પડ્યું કે મહિલા પાડોશી દ્વારા તેને ઝેર પીવડાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના માસૂમ બાળકને અંગત અદાવતમાં જબરજસ્તી ઝેર પીવડાવી, હત્યાના પ્રયાસ મામલે આરોપી મહિલા હેતલબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. હેતલબેને સોનાની બંગડી ચોરીનો આરોપ પોતાના ઉપર ન આવે તે માટે કપાસમાં નાખવાની દવા પીવડાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
તારીખ ૧૬થી ૧૮ માર્ચ સુધી ૭ વર્ષિય આયુષ આઈ.સી.યુમાં બેભાન અવસ્થામાં રહ્યો હતો. તા.૧૮ માર્ચના રોજ ભાનમાં આવ્યા બાદ માતા પિતાએ હકીકત પૂછતા બાળકે જણાવ્યું કે, બાજુમાં રહેતા હેતલબેન પટેલે જબરજસ્તીથી પાણીના ગ્લાસમાં નાખી કંઈક પીવડાવ્યું હોવાનું જણાવ્યું હતું. પીધા બાદ આ બાળકની તબિયત લથડતા સારવાર અર્થે કરમસદ મેડિકલ ખસેડાયો હતો.
સારવાર માં ઝેરી દવા પીધી હોવાનું ખુલતા ચાર દિવસ તેને આઈ.સી.યુમાં રખાયો હતો. બાદમાં તબિયતમાં સુધારો થતાં તા.૨૧ માર્ચના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને સદનસીબે બાળકનો જીવ બચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, પીડિત અને આરોપીના ફળિયામાં એક કોકિલાબહેન રહે છે જેમનાં પતિનું અવસાન થવાથી તેઓ એકલા જ રહેતા હોઈ તેમના ઘરની બીજી ચાવી આરોપીને આપી રાખતા હતા.
એવામાં થોડા સમયથી કોકિલાબહેન બહારગામ હોવાથી તેમનું ઘર બંધ હતું. થોડા દિવસ બાદ તેમણે પાછા આવી જોયું તો ઘરમાંથી સોનાની બંગડી ગાયબ હતી. જેથી તેમણે હેતલબેનને પુછતાં તેમણે ઈન્કાર કર્યો હતો. બાદમાં કોકિલાબેને કહ્યું કે ભગવાન જોવે છે જેણે પણ ખોટું કર્યું હશે તેની સાથે પણ ખોટું થશે. આ જાણી આરોપીએ ચોરીનો દોષ પોતાના પર ન આવે તેથી પડોસમાં રહેતા આયુષને ઝેર પીવડાવ્યું જેથી ચોરીનો દોષ તેમના પર જાય.