આણંદ ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટનો ત્રીજો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો
(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા) આણંદ શહેરની સૌથી લોકપ્રિય અને લોકચાહના વાળી સંસ્થા ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ, આણંદ દ્વારા હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ પરિવાર પાર્ટી પ્લોટ, ટી.બી.હોસ્પિટલ પાછળ, આણંદ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તરલાઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર્સ અને સમાજ સેવક જનાબ બદરુદ્દીન હાલાણી ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે જિલ્લા સમાજ કલ્યાણ મદદનીશ અધિકારી શ્રી જયદીપસિંહ સોલંકી મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર અને રેલીસ એગ્રો ફૂડના ઓનર જનાબ હાજી આબીદભાઈ દામનગર વાળા, પાયલ ઓવરસીઝના જનાબ હાજી ઇકબાલભાઈ મોગરવાળા તેમજ આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને સામાજિક કાર્યકર એવાં હાજી અબ્દુલ રસીદ કાજલ રેડવેઝવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન જનાબ બદરુદ્દીન સાહેબે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડનાર ઉમ્મીદ ગ્રુપના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. અતિથિ વિષેશ જનાબ હાજી આબીદભાઈએ જણાવ્યું કે આણંદ શહેરમાં આટલી મોટી વસ્તી હોવા છતાં સમાજની એક સારી મુસ્લિમ કોલેજ કે હોસ્પિટલનો અભાવ છે જે ચિંતાનો વિષય છે ઉમ્મીદ ગ્રુપ દ્વારા અને સમાજમાં દરેક દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
અને સાથે સાથે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ પોતાનું યોગદાન આપવા હંમેશા તૈયાર રહેશે તેવું જણાવ્યું હતું સાથે ઉપસ્થિત મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી જયદીપસિંહ સોલંકીએ સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. હાજી ઇકબાલ ભાઈ મોગરવાળાએ ઉમ્મીદ ગ્રુપની કામગીરીને બીરદાવી હતી. અને જ્યારે જ્યારે કોઈપણ કામની જરૂર પડે તેઓ ઉમ્મીદગ્રુપની મદદે હંમેશા હાજર રહેશે તેવી ખાત્રી આપી હતી.
આ પ્રોગ્રામમાં કુલ ૩૨૩ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૬ થી ૧૨ના ટોપર વિધાર્થીઓને રૂ.૩૫૦૦/- નો પુરસ્કાર અને ધોરણ ૧ થી ૫ ના વિધાર્થીઓને રૂ.૧૦૦૦/-નો પુરસ્કાર અને સાથે સાથે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન કરનાર ગ્રુપના ખજાનચી ઇમરાન કલાસિક દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ ગ્રુપનો પરિચય સેક્રેટરી સરફરાઝ કાજલ રોડવેઝવાળાએ આપ્યો હતો. ગ્રુપના પ્રમુખ રિયાઝભાઈ દ્વારા ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના વડીલો, વિધાર્થીઓ અને ભારે જહેમત ઉઠાવી પ્રોગ્રામને સફળ બનાવવા મેહનત કરનાર ઉમ્મીદ ગ્રુપના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.