આણંદ ,ખંભાત અને ઓડ નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
આણંદ : સેવા સેતુ કાર્યક્રમ ના માધ્યમથી નાગરિકોના વ્યક્તિગત કામો અને વિવિધ સરકારી યોજનાઓ ના હક્ક અને લાભ એક જ સ્થળેથી મળી રહે તેમના કામોનો નિકાલ સ્થળ ઉપર જ આવી જાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવી રહયો છે. જે અંતર્ગત આવતી કાલે તા. ૨૩/૧૦/૨૦૧૯ બુધવારના રોજ આણંદ જિલ્લાના આણંદ , ખંભાત અને ઓડ નગરપાલિકાના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્દનુસાર આણંદ નગરપાલિકા અંતર્ગત રૂપાપરા નગર પ્રાથમિક શાળા નં. ૭ માં વોર્ડ નંબર ૧૧,૧૨ તેમજ ૧૩ ના નાગરિકો માટે , ખંભાત નગરપાલિકમાં શ્રી ગફુરભાઇ તુલસીઘર હોલ માં વોર્ડ નંબર ૪,૫,૬ નાગરિકો માટે અને ઓડ નગરપાલિક માં શ્રી એલ.એમ.પટેલ પ્રાકુમાર શાળા ના વોર્ડ નંબર ૧ થી ૩ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ત્રણેય સ્થળે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ સવારના ૯-૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે.
આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, સહિતની સરકારના વિવિધ ૧૪ ખાતા, વિભાગો અને વિભાગોની ૫૫ પ્રકારની સેવાઓ અને યોજનાઓની સેવાઓ નાગરિકોને એક જ સ્થળેથી અને ઘરઆંગણે જ મળી રહેનાર હોઇ આ તમામ નાગરિકોને મોટા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.