આણંદ જમીન વિકાસ નિગમનાં અધિકારી પાસેથી ૧૦.૩૧ કરોડથી વધુની મિલકતો મળી

ચાલુ વર્ષનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ: નડીયાદનો જલાશ્રય રીસોર્ટ વર્ગ-૩ અધિકારીની માલિકીનો
(પ્રતિનિધિ)અમદાવાદ, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા આણંદના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનાં એક અધિકારીની અપ્રમાણસર મિલ્કત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા ગણતરી કરવામાં આવતાં આ અધિકારીની સવા બે કરોડની આવક સામે અધધ ૧૦ કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. આ મિલ્કતો લાંચીયા અધિકારીએ પોતાનાં સગાં સંબંધીઓનાં નામે પણ કરી હતી. ચાલુ વર્ષનો આ સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો ગુનો છે.
આણંદ ખાતે આવેલાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી.માં વર્ગ-૩માં ફિલ્ડ આસીસ્ટન્ટ તરીકે કાર્ય કરતાં ધીરુભાઈ બબાભાઈ શર્મા વિરૂદ્ધ પોતાની ફરજ દરમિયાન સત્તાનાં દુરૂપયોગથી અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની ફરીયાદ મળતાં એસીબી આ અંગેની તપાસ શરૂ કરી હતી. જેમાં તેમનાં બેંક ખાતા, રોકડ રકમથી ખરીદેલી મિલ્કતો વગેરે તપાસવામાં આવતાં કાયદેસરની રૂપિયા બે કરોડ સત્તાવીસ લાખની આવકને બદલે રૂપિયા ૧૦ કરોડ ૩૧ લાખ રૂપિયાની મિલ્કતો સામે આવી હતી. આ મિલ્કતો ધીરુભાઈએ પોતાનાં તથા સગા વહાલાઓનાં નામે ખરીદી હતી. જેમાં નડીયાદ નજીક આવેલું જલાશ્રય નામનો રિસોર્ટ પણ સામેલ છે. એસીબી અનુસાર જલાશ્રય રીસોર્ટની કિંમત જંગી રકમ મુજબની ગણવામાં આવી છે. તેની બજાર કિંમત ખૂબ જ વધારે થાય છે. આ ગુનાનાં આરોપી ધીરુભાઈ શર્માની અટક કરી એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૨૦માં અપ્રમાણસર મિલ્કતનાં કુલ ૧૪ કેસ કરવામાં આવ્યાં છે. જેમાં આ સૌથી મોટો છે.
આ વર્ષ ૧૪ અધિ.પાસેથી ૩૫.૯૮ કરોડથી વધુની મિલ્કતો મળી
સરકારમાં બેઠેલાં લાંચીયા અધિકારીઓ વિરૂદ્ધ લાલ આંખ કરતાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૦માં વર્ગ ૧થી ૩નાં અધિકારીઓ સામે કુલ ૧૪ કેસ કરવામાં આવ્યાં છે. જેમાં વર્ગ-૧નાં ૨, વર્ગ-૨નાં ૫ અને વર્ગ-૩નાં ૭ અધિકારીઓ સામે કુલ ૩૫ કરોડ ૯૫ લાખ ૫૬ હજારની અપ્રમાણસર મિલ્કતનાં ગુના દાખલ કરવામાં આવ્યાં છે. જેમાં વિભાગ અનુસાર જીઆઈડીસીનાં ૮, શહેરી વિકાસનાં ૩, રેવન્યુ ડિપાર્ટમેન્ટનાં ૩, પીડબલ્યુડીનાં ૨, જીપીસીબીનાં ૨, પોલીસનાં ૧, શિક્ષણ વિભાગનાં૧, પંચાયતનાં ૨, સિંચાઈનાં ૧, ખાણ અને ઉદ્યોગ વિભાગનાં ૧ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.