આણંદ જિલ્લાના સોજીત્રા મુખ્ય નહેરમાં ૧૭ ખેતમજૂરો સાથેનો ટેમ્પો ખાબક્યોઃ ૨નાં મોત, ૧૨નાં રેસ્ક્યુ
આણંદ: આણંદ-તારાપુર હાઈવે પર સોજીત્રા પાસે આવેલી મુખ્ય કેનાલમાં આજે બપોરે ૧૭ જેટલાં ખેતમજૂરો સાથે જઈ રહેલો ટેમ્પો અચાનક નહેરમાં ખાબક્યો હતો. જેને કારણે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયરના જવાનો બચાવ કામગીરીમાં પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડનાં જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ૧૨ જેટલાં લોકોનાં રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે બે ખેતમજૂરોનાં મૃતદેહ પાણીમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દરમિયાનમાં ફાયર બ્રિગેડનાં જવાનો દ્વારા મોડી રાત્રે પણ તણાઈ ગયેલાં લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને સમગ્ર નહેરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી હોવાનાં કારણે બચાવ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. ફાયર બ્રિગેડનાં જવાનો આધુનિક સાધનો સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. એવું ચર્ચાય છે કે, ખેતમજૂરો મોટાભાગનાં દંતેલી અને કણિયાનાં રહેવાસી છે.
આસપાસનાં ગામના લોકો પણ ઘટનાની જાણ થતાં મુખ્ય નહેર ઉપર ધસી આવ્યાં હતા. ટોળેટોળાં ઉમટી પડતાં પોલીસે ટોળાંને સમજાવીને દૂર કર્યા હતાં. ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લાનાં તાલુકાનાં અધિકારીઓ હાલમાં ઉપસ્થિત છે. અને આ લખાય છે ત્યારે ત્રણ વ્યક્તિઓને શોધવાની કામગીરી ચાલુ છે.