Western Times News

Gujarati News

આણંદ નગરમાં રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ કરતા :રૂપાણી

આણંદમાં પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. અટલજીની પૂર્ણ કદની પ્રતિમા-આશ્રય વિહોણા લોકો માટે આશ્રયસ્થાન-ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણથી રિ-યુઝ માટેના બે એસ.ટી.પી.ના લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીજીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં આણંદ શહેર માટે કુલ રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.

તેમણે આણંદમાં ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના બે એસ.ટી.પી. પ્લાન્ટ, આશ્રય વિનાના ગરીબોને રહેવા માટેના પંડિત દિનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન શેલ્ટર હોમના પણ લોકાર્પણ વિડીયો કોન્ફરન્સથી કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રદ્ધેય અટલબિહારીજીએ સ્વરાજ્ય પછી દેશમાં સુરાજ્ય સુ-શાસનની નવી દિશા તેમના શાસનકાળ દરમ્યાન પ્રસ્થાપિત કરી હતી.  અટલજીના વ્યાખ્યાનો-ભાષણો-કાવ્ય અને સંસદમાં વકતવ્ય રાષ્ટ્રભકિતથી તરબોળ હતા અને યુવા પેઢીનું સદાસર્વદા માર્ગદર્શન કરનારા બની રહ્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

આણંદ નગરપાલિકાએ કોરોના સંક્રમણના આ કાળમાં પણ સુશાસનના પ્રણેતા સ્વ. અટલજીની પ્રતિમા અનાવરણ સહિત વિકાસ કામો-પ્રજાની સુવિધાના કામોની ગતિ અટકવા દીધી નથી તે માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના સંકટ વચ્ચે પણ ૩ મહિનામાં રૂ. સાડા અગિયાર હજાર કરોડના વિકાસ કામો આ સરકારે કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી તેના પૂન: વપરાશ માટેના બે એસ.ટી.પી.થી આવા પાણીને ઊદ્યોગ, ખેતી અને તળાવોમાં આપીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની દિશામાં ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-ગામોમાં હરેક ઘરને નલ સે જલ અન્વયે પીવાનું શુદ્ધ ફિલ્ટર વોટર આપવાની કામગીરી પણ વેગવંતી બની છે અને આણંદ પણ તેમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરોમાં ગટર, લાઇટ, પાણી, રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપી નગરોમાં ઇઝ ઓફ લિવીંગ દ્વારા માણવાલાયક – રહેવાલાયક નગરો બનાવવા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી.આણંદના સાંસદશ્રી સહિત નગરપાલિકા પ્રમુખ, નગર સેવા સદનના પદાધિકારીઓ અને અધિકારીઓ આ અવસરે આણંદથી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.