આણંદ: બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરતાં હોબાળો
આણંદ, આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે શનિવારના રોજ બપોરના સુમારે અનિયમિત બસના પગલે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક સમયે બસ રોકો આંદોલન કરતાં તાકીદે પોલીસ બોલાવવી પડી હતી. તેમાંય કંટ્રોલ પરના કર્મચારીએ અપશબ્દ કહેતા વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયાં હતાં.
આણંદ ડેપોમાં છેલ્લા ચાર દિવસથી અનિયમિત બસના પગલે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આખરે શનિવારના રોજ વિદ્યાર્થીઓની ધિરજ ખૂટી હતી અને હલ્લાબોલ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બસ સંદર્ભે વારંવાર કંટ્રોલ રૂમમાં પુછપરછ કરતાં ફરજ પરના અધિકારી પણ ઉશ્કેરાઇ ગયાં હતાં. એક સમયે વિદ્યાર્થી અને કર્મચારી આમને આમને આવી ગયાં હતાં અને એકબીજાને અપશબ્દ કહેવા લાગ્યાં હતાં. જેના કારણે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયાં હતા અને બસ રોકો આંદોલન કર્યું હતું.
વાત એટલી બધી ગરમ થઇ ગઈ હતી કે, વિદ્યાર્થીઓએ ચોતરફથી ડેપોમાં પડેલી બસને ઘેરી લીધી હતી. જેના કારણે તાત્કાલિક પોલીસને જાણ કરવા આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસની બીજી ગાડી આવતાં અને એસટી ડેપો દ્વારા પણ વધુ બસ ફાળવતાં વિદ્યાર્થીઓ આપોઆપ વિખેરાઇ ગયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં આણંદ ખાતેથી ૨૨ ઉપરાંત બસ ફાળવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓને લઇ જવા ૪૦ બસ ફાળવવામાં છે.
વડાપ્રધાનના સરપંચના કાર્યક્રમના આગલા દિવસથી જ મોટી સંખ્યામાં બસ ફાળવી દેવામાં આવતાં મોટી સંખ્યામાં ટ્રીપો કેન્સર કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની મોસમમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. બેથી ત્રણ કલાકથી બસની રાહ જાેઈ અટવાયેલા વિદ્યાર્થીઓની ઉગ્રતા એટલી બધી વધી ગઈ હતી કે એસટી તંત્રએ પોલીસ બોલાવી હતી.HS