આતંકવાદની લડતમાં ફ્રાન્સને ભારતનું મજબૂત સમર્થન
નવી દિલ્હી: ભારતે આતંકવાદ સામે ઝઝૂમી રહેલા ફ્રાન્સ પ્રત્યે પોતાનું મજબૂત સમર્થન ફરી એકવાર દોહરાવ્યું છે. પેરિસ પીસ ફોરમને વર્ચ્યુઅલી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારત તેના મિત્ર ફ્રાન્સ અને અન્ય તમામ દેશોની સાથે છે. પીએમ મોદીએ કહ્યું કે વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઈએ છીએ. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આ પગલાએ દેખાડ્યું છે કે તેઓ ગ્લોબલ પીસ માટે કેટલા સમર્પિત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આ ગ્લોબલ ગોડમાં યોગદાન આપવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે, આતંક વિરુદ્ધની આ લડતમાં ભારતનું ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાને પૂરેપૂરું સમર્થન છે. આતંકને જડમૂળમાંથી ખતમ કરવા માટે હવે દુનિયાએ એક સાથે વિચારવા અને એક સાથે એક્શન લેવાની જરૂર છે. આપણા આ જ પગલાથી દુનિયામાં શાંતિ કાયમ થશે. પીએમ મોદીએ કહ્યું કે આતંકી ઘટનાઓ વચ્ચે પેરિસ પીસ ફોરમનું આયોજન એક મોટી ઘટના છે. સંકટના આ સમયમાં આ પ્રકારના આયોજનથી દુનિયામાં એક નવી આશાનો સંચાર થાય છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આતંકવાદ વિરુદ્ધ જે બીડું ઉઠાવ્યું છે, ભારત તેમા સહભાગી થવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. પીએમ મોદીએ સંસ્કૃતનો એક મંત્ર બોલીને દુનિયાને શાંતિ પ્રત્યે ભારતનો નિશ્ચય પણ જણાવ્યો. અત્રે જણાવવાનું કે દુનિયામાં શાંતિ, સદભાવનાને વધારવા માટે વર્ષ ૨૦૧૮માં ફ્રાન્સમાં આ ફોરમની સ્થાપના થઈ હતી. ત્યારથી દર વર્ષે આ ફોરમના બેનર હેઠળ વાર્ષિક કાર્યક્રમ થાય છે. જેમાં વિભિન્ન દેશોના અગ્રગણ્ય રાજનેતાઓ, શાસનાધ્યક્ષ, એનજીઓ અને સિવિલ સોસાયટીઓ સાથે જોડાયેલા લોકો ભાગ લે છે.