આતંકવાદને કારણે ૬૪,૭૨૭ કાશ્મીર પંડિતોએ કાશ્મીર ઘાટી છોડવા મજબુર બન્યા
નવીદિલ્હી, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનો વર્ષ ૨૦૨૦-૨૧નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કાશ્મરી પંડિતોના પલાયનના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદને કારણે ૬૪,૭૨૭ કાશ્મીર પંડિતોએ કાશ્મીર ઘાટી છોડીને દેશના અન્ય વિસ્તારોમાં વસવા માટે મજબુર થવું પડ્યું હતું.
કાશ્મીરી પંડિતોના નરસંહાર પર સરકારે કહ્યું કે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને કારણે ૬૪,૮૨૭ કાશ્મીરી પંડિતોએ ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં કાશ્મીર ઘાટી છોડીને જમ્મૂ, દિલ્હી અને દેશના કેટલાંક ભાગમાં વસવા માટે મજબુર થવું પડ્યું હતું.
ગૃહ મંત્રાલયના વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ૧૯૯૦ના દાયકા અને વર્ષ ૨૦૨૦ની વચ્ચે એટલે કે ૩૦ વર્ષમાં જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદને કારણે ૧૪,૦૯૧ સામાન્ય નાગરિકો મોતને ભેટ્યા હતા જ્યારે, ૫૩૫૬ સુરક્ષા જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ સીમા પારના આતંકવાદીઓની ઘુસણખોરી સાથે જાેડાયેલો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કાશ્મીરી પંડિતો ઉપરાંત, આતંકવાદને કારણે કેટલાંક શીખ અને મુસ્લિમ પરિવારો પણ કાશ્મીર ઘાટીથી જમ્મૂ, દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં પલાયન કરવા માટે મજબુર થયા હતા.
ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ જમ્મૂના પહાડી વિસ્તારોમાંથી લગભગ ૧,૦૫૪ પરિવારો જમ્મૂના મેદાની વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે રાહત અને સ્થળાંતર કમિશનર, જમ્મુ અને કાશ્મીર પાસે ઉપલબ્ધ નોંધણીના રેકોર્ડ મુજબ, હાલમાં ૪૩,૬૧૮ નોંધાયેલા કાશ્મીરી સ્થળાંતર પરિવારો જમ્મુમાં, ૧૯,૩૩૮ પરિવારો દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં અને ૧,૯૯૫ પરિવારો દેશના કેટલાક અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાયી થયા છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, ઘાટીમાં કાશ્મીરી સ્થળાંતર કરનારાઓને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી પુનર્નિર્માણ પેકેજ- ૨૦૦૮ હેઠળ જમ્મુ અને કાશ્મીર સરકારમાં ૩,૦૦૦ નોકરીઓ, પ્રધાનમંત્રી વિકાસ પેકેજ ૨૦૧૫ વધારાની ૩,૦૦૦ નોકરીઓને મંજૂરી આપી છે.
રપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૧૪થી ૨૦૨૦ દરમિયાન પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કુલ ૨,૫૪૬ આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં ૪૮૧ સુરક્ષા કર્મચારીઓ, ૨૧૫ નાગરિકો અને ૧,૨૧૬ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૪થી ૨૦૨૦ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીના ૧,૭૭૬ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં આવેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને સ્થળાંતરની વાત કહેવામાં આવી હતી.HS