આતંકવાદીઓના આકા કહેવાતા હાફિઝ સઈદના ઘરની નજીક વિસ્ફોટ બેનાં મોત
લાહોર: પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જાેહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક અહેવાલ અનુસાર, જાેહર ટાઉનમાં આ હુમલામાં ૨ લોકોના મોત થયા છે જયારે ૧૨ લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધડાકો એહસન મુમતાઝ હોસ્પિટલના ઇ બ્લોક નજીક થયો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિસ્ફોટનું કારણ શું છે. તેમણે કહ્યું, “હજી સુધી અમે તે નક્કી કરી શક્યા નથી કે ગેસ પાઇપલાઇન ફાટ્યો કે સિલિન્ડરો વિસ્ફોટને કારણે થયા.” પરંતુ અમે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પરિસ્થિતિ જાેતાં ઘાયલોની સંખ્યા વધી શકે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ નથી. પ્રવક્તાએ કહ્યું કે, અમારી પાસે હજી સુધી વિસ્ફોટના પુષ્ટિ અહેવાલ નથી.
એક ટીવી ચેનલ સાથે વાત કરતા લાહોરના ડેપ્યુટી કમિશનર મુદાસિર રિયાઝ મલિકે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૨ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, મલિકે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે ત્યારે જ વિસ્ફોટના કારણો જાણી શકાશે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. તેમજ નજીકમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે.
લાહોરના સીસીપીઓ ગુલામ મહેમૂદ ડોગરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઘાયલોને જીન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણોની જાણકારી મળી રહી છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે નાગરિકોને બ્લાસ્ટ સ્થળથી દૂર રાખે જેથી બચાવ અને રાહતનાં પ્રયત્નો અવરોધાય નહીં. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન, ઉસ્માન બુઝ્ધારે વિસ્ફોટની નોંધ લીધી છે અને આઈજીને આ ઘટનાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ ફૂટેજમાં રસ્તાની અંદરથી બ્લાસ્ટ થયો હોવાનું જાેવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ પાઇપલાઇન રસ્તાની નીચેથી જી રહી હતી. જાેકે, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે પાઇપલાઇનમાં જ વિસ્ફોટ થયો હતો કે બોમ્બનો ઉપયોગ થયો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે.