આતંકવાદીઓના ઠેકાણા પર સેનાની એર સ્ટ્રાઈકને ભરૂચ મુસ્લિમ સમાજે બિરદાવી

(પ્રતિનિધિ) ભરૂચ, જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ ૨૭ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી.આ ઘટના બદલારૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓનો ખાત્મો કરતા ભરૂચ શહેર જીલ્લામાં ઉત્સાહનો માહોલ છે.મુસ્લિમ સમાજ સહિત કિસાન સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવી રહ્યા છે.
ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે.શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે.
સોશ્યલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે.ભરૂચ જીલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે.તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે.ત્રિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોઢું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામથી સહિત અન્યોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે.
તો કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ પણ સેનાની કાર્યવાહીને પ્રશંસા કરી જવાનોને સલામ કરી હતી.ભારતનો કિસાન સેનાની કામગીરીને બિરદાવી રહ્યો છે કેમ કે ભારતમાં બે જ તાકાત છે એક કિસાન અને બીજો જવાન તેમ કહી સૈન્ય દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકની કામગીરીની પ્રશંસા કરી હતી.