આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે:અમિત શાહ
J-K : ગાંદરબલ આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7ના મોત
ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ હુમલાની નિંદા કરી હતી. જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે પોલીસ, સેના અને સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ એક કેમ્પ પર ગોળીબાર કર્યો છે.જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. આતંકવાદી હુમલાની નિંદા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને તેમને સુરક્ષા દળોની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.
ગગનગીરમાં નાગરિકો પરનો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો
અમિત શાહે ‘X’ પર લખ્યું, જમ્મુ-કાશ્મીરના ગગનગીરમાં નાગરિકો પરનો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એ ઘૃણાસ્પદ કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમારા સુરક્ષા દળો દ્વારા સખત જવાબ આપવામાં આવશે. મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ગૃહમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.