આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર અટલ છે મોદી સરકારઃ અમિત શાહ
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દુનિયામાં કદાચ જ કોઈ એવો દેશ હશે જેણે આટલી લાંબી આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી હશે. ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અટલ અને અડગ છે.
અમિત શાહે કહ્યું કે હાલમાં જ આતંકવાદના સંપૂર્ણ ખાતમા માટે વડાપ્રધાન મોદીજીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવીને દેશને આતંકવાદ અને કાશ્મીરને હંમેશા માટે સુરક્ષિત કરવા એક મોટું પગલું ભર્યું છે. અમિત શાહે કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક પગલાં બાદ અમે જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપી શકીશું.
એનએસજીના સ્થાપના દિવસે બોલતા અમિત શાહે કહ્યું કે એનએસજી એક સ્પેશિયલ ફોર્સ છે અને મને એનએસજીના વીર યોદ્ધાઓ પર ખુબ ગર્વ છે. ગૃહ મંત્રીએ કહ્યું કે એનએસજીના કમાન્ડરોને હજુ સુધી ત્રણ અશોક ચક્ર, બે કિર્તી ચક્ર, ચાર શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. જે જણાવે છે કે દેશની સુરક્ષામાં યોગદાન કેટલું મહત્વપૂર્ણ છે. અમિત શાહે કહ્યું કે એનએસજી ૨૦૧૪થી અનેક નવી ટેક્નિકલ ઈન્ફોર્સમેન્ટથી લેસ થઈ છે. એનએસજીની ક્ષમતાઓને તેનાથી મદદ મળી છે, પરંતુ અમે જાણીએ છીએ કે આપણે ફક્ત કમાન્ડરોની બહાદુરી, દેશભક્તિ અને જૂનૂનથી જ જીત મેળવી શકીએ છીએ.