આતંકીઓ શ્રીલંકાથી સમુદ્રી માર્ગે ઘૂસવાની ફિરાકમાં

ચેન્નાઇ: પાકિસ્તાન સરહદે ભારે સુરક્ષા હોવાને કારણે હવે આતંકીઓ શ્રીલંકાથી સમુદ્રી માર્ગે ભારતમાં ઘુસણખોરીની ફિરાકમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે પોલીસ એલર્ટ કરી દેવામાં આવી હોવાના અહેવાલો છે.
આ રિપોર્ટ સામે આવ્યા પછી તમિલનાડુને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સરહદે ભારે ચાંપતો બદોબસ્ત છે.
એક કેંદ્રીય ગુપ્ત એજંસી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે કન્યાકુમારી, તૂતુકુડી, રામેશ્વરમની સાથે સાથે ચેન્નાઇમાં પણ સુરક્ષા વધારી દીધી છે.ગુપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર હથિયારો સાથે આતંકીઓને લઇને એક નાવડી રામેશ્વરમ તરફ આગળ વધી રહી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જાેકે આ આતંકીઓ કે શસ્ત્ર સાથે આવી રહેલો સમૂહ ક્યાં આતંકી સંગઠન સાથે જાેડાયેલો છે તેની ચોક્કસ જાણકારી હજુસુધી નથી મળી શકી.
બીજી તરફ જે વિસ્તારમાં આ નાવ આવી રહી હોવાના અહેવાલો છે ત્યાં એલર્ટ જારી કરી દેવાયુ છે અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ચેન્નાઇમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ સામે આવ્યા બાદ માત્ર રામેશ્વરમ જ નહીં સમગ્ર તમિલનાડુને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
જાેકે આ સિવાય વધુ કોઇ જ જાણકારી હું આપી શકું તેમ નથી તેવુ આ અધિકારીએ જણાવ્યું હતું. સમુદ્રી વિસ્તારો તરફ જતા મોટા ભાગના રોડ રસ્તા પર પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમુદ્રમાં તરવૈયાઓ અને જહાજાેની પણ મદદ લેવામાં આવી રહી છે.