આતંકીઓ સાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના ડીએસપી બરતરફ
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહને રાજ્ય પોલીસે બરતરફ કરી નાખ્યા છે. દેવિન્દર સિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે. આ ઉપરાંત અધિકારી એ વાતની પણ ભાળ મેળવી રહ્યાં છે કે દેવિન્દર કેટલા દિવસોથી આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. મંગળવારે જ દેવિન્દરને સેવાઓમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. આતંકીઓ સાથે પકડાયેલા આ ડીએસપી દેવિન્દર સિંહ એરપોર્ટ સિક્યુરિટીમાં તૈનાત હતાં. અધિકારીઓએ જણાવ્યું કે ડીએસપી આતંકીઓને ઘાટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યાં હતાં.
કુલગામથી પકડાયેલા જમ્મુ અને કાશ્મીરના ડીએસપી દેવિન્દર સિંહ સાથે પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે તેઓ લાંબા સમયથી આતંકીઓના સંપર્કમાં હતાં. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે તેઓ ૨૦૧૮માં પણ આ આતંકીઓને લઈને જમ્મુ ગયા હતાં. એટલું જ નહીં, તેઓ આતંકીઓને પોતાના ઘરમાં પણ શરણ આપતા હતાં. જમ્મુ અને કાશ્મીર પોલીસ હાલ દેવિન્દર અને તેની સાથે પકડાયેલા આતંકી નવીદની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડીએસપી દેવિન્દર સિંહ આ આતંકીઓના લાંબા સમયથી સંપર્કમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓએ દિલ્હી, ચંડીગઢ અને પંજાબમાં હુમલાના કાવતરા રચ્યા હતાં.
દેવિન્દર સિંહની ૧૧ જાન્યુઆરીના રોજ કુલગામ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક કારમાંથી ધરપકડ કરાઈ હતી. તેઓ હિજબુલ કમાન્ડર સઈદ નવીદ, એક અન્ય આતંકી રફી હૈદર અને હિજબુલના જ એક ગ્રાઉન્ડ વર્કર ઈરફાન મીરને લઈને જમ્મુ જઈ રહ્યાં હતાં.