મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદ દોષિત જાહેર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Hafiz.jpg)
લાહોર: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષિત જાહેર કર્યો છે. હાફિઝ સઈદ સાથે જોડાયેલો કેસ હવે લાહોરની કોર્ટમાંથી પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયા તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 17 જુલાઈએ ગુજરાંવાલા જતી વખતે હાફિઝ સઈદની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હવે પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ગુજરાંવાલા કોર્ટે હાફિઝ સઈદને દોષિત જાહેર કરી દીધો છે. ત્યારપછી આ કેસને પાકિસ્તાનવાળા ગુજરાતમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટમાં હાફિઝ સઈદની મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, હાફિઝ સઈદે 2008માં મુંબઈ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. આ સિવાય તેના સંગઠન જમાત-ઉદ-દાવા, લશકર-એ-તોઈબાએ ભારતની જમીન પર આતંક ફેલાવ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાનને હાફિઝ સઈદ વિરુદ્ધ ઘણાં પુરાવા રજૂ કર્યા હતા પરંતુ પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ એક્શન લેવા તૈયાર નહતા.
17 જુલાઈએ હાફિઝ સઈદની ટેરર ફંડ અને મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટ (ATC)એ જ હાફિઝ સઈદને 7 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે જ્યારે આ કેસની સુનાવણી થઈ તો ગુજરાંવાલા કોર્ટે હાફિઝ સઈદને દોષિત જાહેર કરીને કેસ શિફ્ટ કરી દીધો છે.