આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર
ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ, કારીગરો, ધંધા-રોજગાર કરનારાઓને ફરીથી ચેતનવંતા કરવા ‘આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના’ અન્વયે રૂ. ૧૪૧૮ કરોડ રૂપિયા જરૂરિયાતમંદ લાભાર્થીઓને ડીબીટીથી ચૂકવી દેવાયા છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સામાન્ય વર્ગના અને રોજનું કમાઇને રોજ ખાનારા અને નાના ધંધા-રોજગારકારો માટે આ સહાય યોજના નાના માણસની મોટી યોજના બની છે એમ પણ તેમણે ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ ભાઇ પટેલે ‘આર્ત્મનિભર ગુજરાત સહાય’ યોજના અંગે ઉપસ્થિત કરેલા ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં ગૃહના નેતા તરીકે સહભાગી થયા હતા. તેમણે કહ્યું કે, માત્ર બે ટકા વાર્ષિક વ્યાજ દરથી લોનની આ આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના રાજ્યના ઇતિહાસમાં પ્રથમ યોજના છે. કોરોનાની સ્થિતિમાં લોકડાઉનને કારણે વેપાર, ઉદ્યોગ-ધંધાને જે આર્થિક વિપરીત અસર પડી છે તેમાંથી ખાસ કરીને નાના વેપારીઓ, કારીગરો, વ્યવસાયીકોને ૧ લાખથી ૨.૫૦ લાખની લોન આપી પૂનઃબેઠા કરવા રાજય સરકારે આ યોજના શરૂ કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યના વેપાર-ઉદ્યોગ, ધંધા- રોજગારને સમગ્રતયા ચેતનવંતા કરવા સરકારે રૂ.૧૪ હજાર કરોડનું ગુજરાત આર્ત્મનિભર પેકેજ પણ જાહેર કરેલું છે. વિજય રૂપાણીએ રાજ્યના નાના-વેપારીઓ, સ્વતંત્ર વ્યવસાયીકો અને સામાન્ય વ્યક્તિઓ સહિત છેવાડાના માનવી સુધી આ આર્ત્મનિભર ગુજરાત સહાય યોજના આવા વર્ગોને કોરોના સ્થિતી પછીની જીવન વ્યવસ્થામાં આધાર બનશે તેમ જણાવ્યું હતું. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાજયનાં ૧.૭૦ લાખથી વધુ અરજદારોની અંદાજે ૧૬૪૭ કરોડની લોન અત્યાર સુધીમાં મંજૂર કરી દેવામાં આવી છે.
એટલું જ નહીં, રાજ્યમાંથી અંદાજે સવા લાખ જેટલા પાથરણા ધારકોએ અરજી કરી હતી તે પૈકી ૫૦ હજાર થી વધુ પાથરણા ધારકોની લોન મંજૂર કરી તેમના ખાતામાં લોનની રકમ જમા પણ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, નાના ધંધા રોજગાર કરતાં વેપારી કે કારીગર વર્ગ સહિત સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું પેકેજ છે.