Western Times News

Gujarati News

આત્મહત્યાનો પ્રયાસ કરનાર મોડલે સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો

મુંબઈ, એથ્લેટ અને મોડલ મનોજ પાટીલે ગુરૂવારે ઓશિવરા ખાતે તેના ઘરે ઊંઘની ગોળીયો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાઈલીલા બિલ્ડિંગમાં આવેલા પાટીલના ઘરે મોડી રાત્રે ૧૨.૩૦થી ૧ વાગ્યા દરમિયાન બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાદમાં પરિવારના સભ્યો તેને કૂપર હોસ્પિટલ લઈ ગયા હતા. તેની મેનેજર પરી નાઝે જણાવ્યું હતું કે મનોજની હાલત ઘણી ક્રિટિકલ છે.

મનોજ પાટિલે તાજેતરમાં જ ઓશિવરા પોલીસને એક પત્ર આપ્યો હતો જેમાં તેણે બોલીવૂડ અભિનેતા સાહિલ ખાન સામે સોશિયલ મીડિયામાં પોતાને બદનામ કરીને તેના વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા બદલ પગલાં લેવાની માંગ કરી હતી. પોતાના સત્તાવાર નિવેદનમાં સાહિલ ખાને જણાવ્યું હતું કે, મનોજ પાટીલની આત્મહત્યાના કેસમાં મારું નામ સામેલ કરવામાં આવ્યું છે અને તેથી હું આજે મારો પક્ષ રજૂ કરી રહ્યો છું.

આ વિવાદમાં મારું નામ શા માટે લાવવામાં આવ્યું છે તેની પાછળનું સાચું કારણ અને સત્ય હું પૂરાવા સાથે તમારી સમક્ષ લાવવા ઈચ્છું છું. મારી વાત અને પૂરાવા પછી પણ કોઈ સહમત થતું નથી તો કાયદાને તેનું કામ કરવા દો, પરંતુ જાે કોઈ વ્યક્તિ પોતે ખોટો ઠરે તો તેની સામે પણ કાયદાકિય પગલા લેવા જાેઈએ.

સાહિલે જણાવ્યું હતું કે, એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા હું રાજ ફૌજદાર નામના વ્યક્તિને મળ્યો હતો. તે દિલ્હીનો છે અને તેણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મનોજ પાટીલે તેની પાસેથી ૨ લાખ રૂપિયા લીધા હતા અને તેને એક્સપાયર્ડ થયેલું સ્ટેરોઈડ વેચ્યું હતું. જેના કારણે તેના હ્રદયમાં તકલીફ થઈ હતી અને ચામડીમાં પણ કેટલીક સમસ્યા થઈ હતી.

ફૌજદાર પાસે તમામ જરૂરી બિલ છે અને તેમના વચ્ચે થયેલી નાણાકિય લેવડ-દેવડની રિસિપ્ટ પણ છે. ફૌજદાર સોશિયલ મીડિયા સપોર્ટ ઈચ્છતો હતો તેથી મેં મારા સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પોસ્ટ કરીને લોકોને રાજ ફૌજદારને સપોર્ટ કરવાનું કહ્યું હતું. મેં તે પણ કહ્યું હતું કે, સ્ટેરોઈડનું કૌભાંડ બંધ થવું જાેઈએ.

ફૌજદારે જણાવ્યું હતું કે મનોજ પાટીલે તેને તેના રૂપિયા પરત કર્યા નથી અને ફંડ મેળળવવા માટે તેણે પોતાનું બાઈક પણ વેચી દીધું હતું, તેમ સાહિલે જણાવ્યું હતું. મનોજ પાટીલના મેનેજરે કહ્યું હતું કે તેમણે સાહિલ ખાન સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી. જાેકે, ઓશિવરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલીસે મનોજ પાટીલને જ્યાં દાખલ કરવામાં આવ્યો છે તે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.