આત્મા યોજના દ્રારા આયોજીત રાજ્ય બહારના પ્રવાસ થકી ખેતીમાં બદલાવ કરવાની પ્રેરણા મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/11-1-1024x511.jpg)
લુણાવાડા: ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી બી વગરના લીંબુની માંગ વધી છે. કારણ કે લીંબુનો રસ કાઢતી વખતે તેમાં રહેલાં બી નડતરુપ હોય છે. પણ હવે બી વગરના લીંબુ આવતાં થયા છે. જે રીતે કાળી અને લીલી દ્રાક્ષમાં બી રહ્યાં નથી એવું પરિવર્તન લીંબુમાં આવી રહ્યું છે. આપણા રાજયમાં લીંબુની ખેતી અનેક જીલ્લાઓમાં થાય છે. તેવા જબી વગરના લીંબુની ખેતી મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના રાજપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સુરેશભાઇ પટેલે સફળ બાગાયતી ખેતીની સાથે સાથે જળસંચયની મહત્વતા સમજી ટપક સિંચાઇ પધ્ધતિ નો ઉપયોગ કરી સિડલેસ લીંબુ છ એકરમાં ૪૫૦૦ રોપાનું વાવેતર કરીઆધુનિક ખેતીનો નવીન રાહ ચિંધ્યો છે.
શ્રી સુરેશભાઇ પટેલ જણાવે છે કે અગાઉ મકાઇ,કપાસ ની ચીલા ચાલુ પધ્ધતિ થી ખેતી કરતા હતા. અપુરતા જ્ઞાન અને જંગલી પશુઓના ઉપદ્રવથી ઉત્પાદન અને આવક નહિવત મળતી. આત્મા યોજનાની જાણકારી મળતા આત્મા પ્રોજેકટ ગ્રુપમાં જોડાયા, આધુનિક ખેતી બાબતે તેઓ સતત આત્મા અને બાગાયતના અધિકારીઓ / કર્મચારીઓના સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન મળતાં બાગાયતી ખેતી તરફ વળવાનો મકકમ નિર્ધાર કર્યો. આત્મા યોજના દ્રારા આયોજીત રાજ્ય બહારના પ્રવાસમાં દિલ્હી ગયા. જેમાં ખેતીમાં બદલાવની પ્રેરણા મળી. તેમણે બાગયતી પાકોમાં બી વગરના લીંબુની ખેતી કરી તેમના વિસ્તારમાં આ નવતર ખેતી માટે સાહસ ખેડયું છે. લીંબુ કાંટાળો પાક હોવાથી જંગલી પશુઓથી રક્ષણ મળે તેવી ખેતી થઇ.
તેમણે નર્સરીની ભલામણ મુજબ શ્રી હરી હોર્ટીકલ્ચર નર્સરી કરજણ જી.વડોદરા થી સિડલેશ લીંબુના રોપા ખરીદી કરી માર્ગદર્શન મુજબ યોગ્ય અંતરે નિયત ખાડા કરી તેમાં છાંણિયુ ખાતર લીંબુડી ખોળ જેવા ખાતરો યોગ્ય માત્રામાં આપ્યા. ટપક પધ્ધતિથી પિયત આપી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો. ફળ ખાટા વધારે હોય છે. છોડનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું લાંબુ હોય છે. તેથી પાકની ફેરબદલી કરવી પડતી નથી. બાગાયત વિભાગ તરફથી બાગાયત પાક ની સહાય પણ આપવામાં આવી છે.
આ સિડલેસ લીંબુ પણ એક ડાળી પર દસ-પંદર લાગતાં હોય છે તેનો પણ સારો ઉતારો આવે છે તેમાં સિઝન પ્રમાણે ભાવ બદલાતા રહેતા હોય છે. આ વર્ષે સાત હજાર કિલોગ્રામનું સિડલેસ લીંબુનું ઉત્પાદન મળેલ છે જે કિલોના સરેરાશ રૂા.૪૦ થી ૪૫/- લેખે વેચાણ કરતાં અંદાજીત આવક રૂા.૩.૧૫ લાખની થઇ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે સિઝનમાં તેને વેચવા અમારે ક્યાય જવું પડતું નથી વાડી બેઠા જ વેપારીઓ લઈ જાય છે. આ ખેતીમાં આંતરપાક કરી ખર્ચના નાણાં તો તેમાંથી જ મેળવી શકાય છે.
આમ આધુનિક પધ્ધતિ થી ખેતી કરતાં સફળ ખેડૂત સુરેશભાઈનું કહેવુ છે કે સરકાર ના અથાક પ્રયત્નો થકી ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સો ટકા પુરવાર થશે જેમાં મહીસાગર જિલ્લાના આત્મા અને બાગાયત વિભાગ દ્વારા ખેતી અંગેના માર્ગદર્શને મારી ખેતીમાં આમુલ પરિર્વતન થકી સફળતાના સોપાન સર કર્યા છે. જ્યારે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે તેથી ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિથી ખેતી કરતા શરૂ થાય તો સારી એવી આવક મેળવી ગુજરાન ચલાવા સાથે સારી એવી કમાણી પણ સારી થઈ શકે છે. તેઓ તેમના વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.