આદિજાતિ જન વિકાસ ઝુંબેશ અંતર્ગત અમીરગઢ મુકામે અધિકારીઓ સાથે રિવ્યુ મિટીંગ યોજાઇ
સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ : લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા પરિણાદાયી કામગીરી કરીએ.
આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રી દિલીપ રાણા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે જન વિકાસ ઝુંબેશ અંતર્ગત રાજયના આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે રિવ્યુ મિટીંગ યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા તા.૪ જાન્યુઆરીથી તા.૪ ફેબ્રુઆરી સુધી આદિજાતિ જન વિકાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કામગીરી અંગે રિવ્યુ કરતાં આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રી દિલીપ રાણાએ અધિકારીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે ઝુંબેશ અંતર્ગત બહુ સરસ કામ થયું છે. તેમણે કહ્યું કે દિવ્યાંગ, વૃધ્ધ્, નિરાધાર, વિધવા, બાળકો, ખેડૂતો અને મહિલાઓ સહીત તમામ લાભાર્થીઓને સરકારશ્રીની યોજનાઓના લાભ સરળતાથી મળે તે માટે લાભાર્થીઓને ત્યાં સામેથી જઇ તપાસ કરીને લાભ અપાવીએ.
કમિશ્નરશ્રી દિલીપ રાણાએ કહ્યું કે આ ઝુંબેશથી અંતરિયાળ વિસ્તારના ગામો સુધી લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવામાં આવ્યા છે. નાગરિકોને આધારકાર્ડ અપાવવા તથા બેંકમાં ખાતા ખોલાવવા સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. કમિશ્નરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત કોઇ લાભાર્થી રહી ન જાય તે માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે રોજેરોજ આંકડાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. આ ઝુંબેશ અંતર્ગત ૩૨૦૦ જેટલા વૃધ્ધ, વયવંદના અને વિધવા લાભાર્થીઓ શોધવામાં આવ્યા છે.
વીજળી વિહોણા ઘરોમાં વીજળી આપવાની કામગીરી ચાલુ છે. જનધન યોજના અન્વયે બેંકમાં ખાતા ખોલવા બેન્ક મિત્ર ગામડાઓ સુધી મોકલી ખાતા ખોલવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના અને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના લાભ લાભાર્થીઓને મળી રહે તે પ્રમાણે કામગીરી કરવા જણાવ્યું હતું. કમિશ્નરશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે લોકો માટે સરકારશ્રીની સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે તેના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સક્રિય અને સફળ પ્રયાસો કરીએ.બેઠકમાં પ્રયોજના આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા, વહીવટદારશ્રી એમ.બી. ઠાકોર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ. જે. ચાવડા, મદદનીશ આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રી કટારા, મુખ્ય જિલ્લા આરોગય અધિકારીશ્રી ડો. ફેન્સી સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા