આદિજાતિ વિસ્તારોનાં સર્વાગી વિકાસ માટે ૧૦ વર્ષમાં 90,000 કરોડથી વધુનો ખર્ચ થયો
(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના સર્વાગી વિકાસ માટે છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત સરકારે રૂા.૯૦ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યાે છે. આદિજાતિ વિસ્તારોમાં પીવાનું પાણી અને સિંચાઈ, ૨૪ કલાક વીજળી, રસ્તા, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.
ગુજરાતમાં સત્તાધારી ભાજપની સરકારે આદિવાસીઓના વિકાસની દરકાર રાખી રહી છે. વનબંધુ કલ્યામ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં અનેક વિકાસલક્ષી કામો કરવામાં આવ્યાં છે અને હજુપણ અન્ય કામો અવિરતપણે ચાલી રહ્યાં છે.
આ યોજના અંતર્ગત જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારોનાં ૨૬૧૪ ગામોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ૮૯૬ ગામોમાં હાલ કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત આજે ૧૧.૩૦ લાખ પરીવારો સુધી પીવાનુું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લાં ૪ વર્ષમાં સિંચાઈની વિવિધ યોજનાઓનાં ૧,૬૩૧ કામો હાથ પર લઈ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતની ભાજપ સરકારે આદિજાતિ વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી ૫,૮૮૪ ગામોના ઘરોમાં પહોંચાડવામાં આવી રહી છે. અને ૧૭૯ વીજ સબ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યાં છે. આદિજાતિ વિસ્તારોનાં ૧.૮૩ લાખ ખેતરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે.
આદિજાતિ વિસ્તારોને રસ્તાથી સાંકળવામાં આવ્યાં છે. આ વિસ્તારનાં તમામ મહેસૂલી ગામોને રસ્તાથી જાેડવામાં આવ્યાં છે. ૨૫૦થી ઓછી વસ્તીવાળાં ૯૮૪ પરાને રાજ્યની વનબંધુ કલ્યાણ યોજના અને ૮૩ ગામોને પ્રધાનમંત્રી ગામ સડક યોજના મળી કુલ ૧૦૬૭ પરાઓને રોડથી જાેડવામાં આવ્યાં છે.
આદિજાતિ વિસ્તારોનાં રસ્તાના બાંધકામ અને સમારકામ માટે વિભાગનાં કુલ બજેટનાં ૧૪.૫૦ ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિનો લાભ નાગરીકો ઉઠાવી રહ્યાં છે. આદિજાતિ વિસ્તારોમાં ૭૫૩ જેટલી આશ્રમશાળાઓ તથા અન્ય શાળાઓમાં ૧.૩૭ લાખ વિદ્યાર્થીઓને રહેવા-જમવા અને શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે રૂા.૬૮૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
૧૪ આદિજાતિ જિલ્લામાં મેડિકલ અને એન્જિનિયરીંગ શાખાઓમાં પ્રવેશ પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૬૦થી વધુ તાલીમ કેન્દ્ર શરૂ કરાયાં છે. જેમાંથી ૨૭૪ વિદ્યાર્થીઓએ નીટ અને ૩૩૯ વિદ્યાર્થીઓએ જીઈઈમાં પ્રવેશ મેળવવા પાત્ર થયાં છે.
આદિવાસીઓને તેમની જમીનની માલિકીનાં હક્ક આપવા માટે પણ મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નર્મદા જિલ્લામાં ટુરીઝમ સેક્ટરનો વિકાસ થવા સાથે રોજગારીની તકો પણ મળી છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યંુ છે કે, વનબંધુઓનાં સર્વાગી વિકાસ માટે સરકાર હંમેશા કટીબદ્ધ છે.