આદિત્ય ઠાકરેએ ટ્વીટર પરથી પોતાના બાયોમાંથી મંત્રીનો ઉલ્લેખ હટાવી દીધો
ગૌહાટી, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ બાગી વલણ અપનાવ્યું છે અને તેમણે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે.
વિદ્રોહના ૨ દિવસ પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે તથા શિવસેના સાંસદ સંજય રાઉત સાથે શિંદેને પવઈની એક હોટેલ ખાતે ઉગ્ર વિવાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ધારાસભ્યોને તે સ્થળે વિધાન પરિષદની ચૂંટણી માટે રાખવામાં આવ્યા હતા.
આ બધી રાજકીય ગડમથલો વચ્ચે આદિત્ય ઠાકરેએ પોતાના ટિ્વટર બાયોમાંથી મહારાષ્ટ્ર સરકારમાં પ્રવાસન તથા પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો ઉલ્લેખ હટાવી દીધો છે. એક રીતે આ પોતે હવે વધુ સમય સુધી મંત્રી નથી તેનો સ્વીકાર દર્શાવતું પગલું ગણી શકાય. આ કારણે અફવાઓનું બજાર પણ ખૂબ જ ગરમાયું છે.
શિંદેની નારાજગીનું એક કારણ આદિત્ય ઠાકરે હોવાનું પણ માનવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે પાર્ટીમાં યુવા વિંગના નેતાઓને જૂના સાથીઓની સરખામણીએ વધુ મહત્વ અપાઈ રહ્યું છે તથા તેમના વિભાગોમાં આદિત્ય ઠાકરે અને તેમના સાથીદારોની દખલ પણ શિંદેની નારાજગીનું મોટું કારણ માનવામાં આવે છે.
ઉપરાંત ૨ દિવસ પહેલા રેનેસા હોટેલ ખાતે જ્યારે મત અંગેની ચર્ચા ચાલી રહી હતી તે સમયે એકનાથ શિંદે શિવસેનાના સાંસદ સંજય રાઉત તથા આદિત્ય ઠાકરે સાથે સહમત નહોતા. વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને જીતાડવા માટે શિવસેનાના ધારાસભ્યો મત આપે તે મામલે એકનાથ શિંદે નાખુશ હતા. આ કારણે જ બંને પક્ષ વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો. ત્યાર બાદ શિંદેએ અલગ વલણ અપનાવીને પાર્ટીથી બળવો પોકાર્યો હતો.SS2KP