આદિત્ય નારાયણે Sa Re Ga Ma Paને કહ્યું અલવિદા
મુંબઇ, સિંગિંગ રિયાલિટી શૉ સા રે ગા મા પામાં હવે હોસ્ટ તરીકે એક્ટર, સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ જાેવા નહીં મળે. આદિત્ય નારાયણ હવે આ રિયાલિટી શૉને હોસ્ટ નહીં કરે. આદિત્ય નારાયણે પોતે આ વાતની જાહેરાત કરી છે. ૬ માર્ચના રોજ આ રિયાલિટી શૉનો ફિનાલે એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં નિલાંજના રેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આ દરમિયાન આદિત્ય નારાયણે સિંગિંગ રિયાલિટી શૉ સાથેનું પોતાનું સ્પેશિયલ કનેક્શન શેર કર્યુ હતું. આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર રિયાલિટી શૉની તસવીરો શેર કરીને એક લાંબી પોસ્ટ લખી છે અને આ વાતની જાણકારી આપી છે.
આદિત્ય નારાયણે શેર કરેલી તસવીરોમાં તેના પિતા ઉદિત નારાયણ, શંકર મહાદેવન, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાણી જણાઈ રહ્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું કે, ભારે મન સાથે હું સા રે ગા મા પા જેવા શૉની હોસ્ટિંગ છોડી રહ્યો છુ, જેણે મને ઓળખ આપી. ૧૮ વર્ષના એક યુવાનથી શરુ કરીને એક સુંદર પત્ની અને દીકરી સાથે ૧૫ વર્ષ, ૯ સીઝન, ૩૫૦ એપિસોડ, સમય ખરેખર આગળ વધી ગયો છે.
આભાર નીરજ શર્મા, મારા ભાઈ. આ પોસ્ટ પર સિંગર અને જજ વિશાલ દદલાણીએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું કે, હું શું કહું. તારો પ્રથમ સા રે ગા મા પા મારું પ્રથમ સા રે ગા મા પા. મને આશા છે કે તું તારું મન બદલીશ. તારું મ્યુઝિક એટલું સફળ થયું છે કે તારી પાસે ટીવી કરવાનો સમય નથી.
કંઈ નહીં. જા આદિ. જીવી લે તારું જીવન. લવ યુ. આ સિવાય નિયા શર્મા સહિત અનેક લોકોએ તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. પરંતુ આદિત્ય નારાયણના ફેન્સ ઘણાં દુખી જણાયા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧માં જ આદિત્ય નારાયણે ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ ૨૦૨૨માં તે ટીવીની દુનિયાને અલવિદા કહી દેશે. તે હવે મોટા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ટીવી પર હોસ્ટ તરીકે ૨૦૨૨ મારું અંતિમ વર્ષ હશે. ત્યારપછી હું હોસ્ટિંગ છોડી દઈશ. હવે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે.
મારા થોડા કમિટમેન્ટ્સ છે જે આવનારા મહિનાઓમાં સમાપ્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે આદિત્ય નારાયણના ઘરે ૨૪ ફેબ્રુઆરીના રોજ એક દીકરીનો જન્મ થયો હતો. આદિત્યએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. આદિત્ય અને શ્વેતાએ ડિસેમ્બર ૨૦૨૦ લગ્ન કર્યા હતા.SSS