આધાર કાર્ડ અપડેટ કરવા આવેલા બાળકો ગરમીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત
આધાર કેન્દ્રો ખાતે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિદ્યા અપૂરતી અથવા નહિં હોવાથી ભર ઉનાળે વાલીઓ અને વિદ્યાર્થીઓ જાતે પાણીની બોટલો અને નાસ્તો લઈ આવી રહ્યા છે.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટ કરવા માટે ની હાલ કામગીરી ચાલી રહી છે. વાલીઓ પોતાના બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સવારે સાત વાગ્યા થી આધાર કાર્ડ કેન્દ્રો ખાતે આવી લાઈનોમાં ઉભા રહેલા જાેવા મળી રહ્યા છે.
પરંતુ આધાર કાર્ડ કેન્દ્રો મોડા ખુલતા હોવાથી ઉનાળાની ગરમીમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે બાળકોની હાલત કફોડી બની રહી છે.જેથી વાલીઓમાં શાળા કક્ષાએ અથવા નજીકમાં આધાર કાર્ડ અપડેટ કામગીરી શરૂ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સરકારના નિયમો મુજબ આધાર કાર્ડમાં ફિંગર પ્રિન્ટ સહિત અપડેટ કરવાની સૂચના શાળાઓમાં આપવામાં આવી છે.જેને લઈ હાલ શાળામાં અભ્યાસ કરતાં અને આધાર કાર્ડમાં અપડેટ બાકી હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ શિક્ષકો ઉક્ત કામગીરી પૂર્ણ કરવા માટે દોડધામ કરી રહ્યા છે.
વાલીઓ પોતાના બાળકોના આધાર કાર્ડમાં અપડેટ કામગીરી પૂર્ણ કરવા માટે જાતે જ વહેલી સવારથી તાલુકા મથકે આવેલા આધાર કેન્દ્રો ખાતે આવી રહયા છે. ગોધરા ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્રો ખાતે વહેલી સવારથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ કતારોમાં ખડકાઈ રહેવા છતાં કેટલાક વાલીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.
સમય અને નાણાંનો વ્યય કરી આવતા વાલીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે તેમ છતાં સમયસર કામગીરી નહિં થતાં વાલીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. આધાર કેન્દ્રો ખાતે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિદ્યા અપૂરતી અથવા નહિં હોવાથી ભર ઉનાળે વાલીઓ અને વિદ્યાર્થીઓ જાતે પાણીની બોટલો અને નાસ્તો લઈ આવી રહ્યા છે.
ત્યારે વાલીઓમાં આધાર કાર્ડ અપડેટ માટે શાળા કક્ષાએ અથવા નજીક સ્થળે આધાર કેન્દ્ર ઉભા કરવા માંગ ઉઠી છે.આ ઉપરાંત ગોધરા એપીએમસી ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પણ સરકારના શિક્ષણમંત્રીને રજુઆત કરી કીટ ની સંખ્યા વધારી શાળાઓમાં જ કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.