આનંદનગરમાં કારચાલક યુવતીને કચડીને ફરાર
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલાં છે પરંતુ આ નિયમો માત્ર દ્વિચક્રીય વાહનચાલકો માટે હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ નિયમો છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ગઈકાલે શહેરનાં આનંદનગર વિસ્તારમાં રાહદારી યુવતીને અજાણ્યા કારચાલકે ટક્કર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેનાં પગલે સ્થાનિક નાગરીકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં આનંદનગર રોડ ઉપર આનંદનગર ફ્લેટમાં રહેતી ૨૬ વર્ષની યુવતી અનુશ્રી સુધાકરભાઈ વાઘા ગઈકાલે બપોરનાં સમયે ચાલતાં ચાલતાં પસાર થઈ રહી હતી તે આનંદનગર રોડ ઉપર રાહુલ ટાવર પાસેથી જતી હતી ત્યારે અચાનક જ પાછળથી કારે ટક્કર મારતાં તે ઉછળીને રસ્તા ઉપર પટકાઈ હતી. અકસ્માતનાં પગલે આસપાસનાં લોકો એકત્ર થઈ ગયાં હતા ત્યારે બીજીબાજુ કારનો ચાલક અક્સ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
એકત્ર થયેલાં નાગરીકોએ ૧૦૮ને તથા સ્થાનિક પોલીસને જાણ કરતાં બંને ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત અનુશ્રીને ૧૦૮માં તાત્કાલિક જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેની સ્થિતિ વધુને વધુ ગંભીર બનેલી હતી અને રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
યુવતીના મૃત્યુના સમાચારથી પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા બીજીબાજુ અક્સ્માત સર્જી ભાગી છૂટેલાં કારચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ મેળવવાનાં પ્રયાસો સવારથી જ શરૂ કરી દીધા છે અને ટૂંક સમયમાં જ કારચાલક ઝડપાઈ જશે તેવું પોલીસ અધિકારીઓ માની રહ્યાં છે.