આનંદનગરમાં ઘરકામ કરતી મહિલા ચોરી કરતી CCTVમાં કેદ
અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં ઘરકામ કરતી એક મહિલા વારંવાર ચોરી કરતી હતી જેને પરિણામે મકાન માલિકે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવીને તેને રંગેહાથ પકડી લીધી હતી આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જીગરભાઈ શાહ આનંદનગરના રત્નાકર એલીટીયરમાં રહે છે તેમના ઘરમાં અવારનવાર રૂપિયાની ચોરી થતી હતી. જેની શંકા તેમને ઘરકામ કરતી આશાબહેન ચૌહાણ (વેજલપુર) ઉપર જતી હતી.
જેથી જીગરભાઈએ ઘરમાં સીસીટીવી લગાવ્યા હતાં અને બુધવારે આશાબહેન ઘરકામ કરવા આવતા જીગરભાઈએ સીસીટીવીમાં તેમની પર નજર રાખતા આશાબહેન એક રૂમમાં મુકેલી તીજારીમાંથી રૂપિયા ચોરી કરતા દેખાયા હતાં જેથી તુરંત જ તેમણે પોલીસને જાણ કરી હતી અને હાલ સુધીમાં કુલ ૯પ હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરો અને લુંટારુઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહયા છે આરોપીઓને પકડવામાં પણ મોટાભાગના કેસોમાં પોલીસ નિષ્ફળ રહી છે જેના પગલે શહેરમાં તસ્કરો અને લુંટારુઓ ફરી એક વખત સક્રિય બની ગયા છે આ કિસ્સામાં ઘરમાં કામ કરતી નોકરાણીએ જ ચોરી કરી હતી.
પરંતુ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસ માટે તપાસ ખૂબજ આસાન બની ગઈ છે હાલમાં સીસીટીવી કુટેજ મેળવી પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.