આનંદનગરમાં જવેલર્સ સાથે ભાણીયાએ રર લાખની છેતરપીંડી આચરી
સ્વસ્થ થયા બાદ વહેપારી દુકાને પરત ફરતા સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કર્યાં બાદ અનલોકમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને આપતા ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવી છે જેના પગલે તમામ ધંધા રોજગારો પુનઃ ધમધમતા થઈ ગયા છે. લાંબા સમય સુધી બજારો બંધ રહેતા વહેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને જયારે હવે ધંધા રોજગારો પુનઃ શરૂ થતાં ગઠીયાઓ પણ સક્રિય બની ગયા છે.
જેના પરિણામે છેતરપીંડીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે આ પરિસ્થિતિમાં શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ મળી છે. જેમાં વહેપારી બિમાર પડતા જવેલર્સનો શો રૂમ સંભાળતા તેના ભાણીયાએ બારોબાર સોના-ચાંદીના દાગીના વેચી રૂા.રર લાખ ઉપરાંતની છેતરપીંડી આચરી છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાં દિવસ દરમિયાન તમામ ધંધા રોજગારો પુનઃ ધબકતા થઈ ગયા છે જેના પરિણામે વહેપારીઓએ દુકાનો અને બજારો ખોલી ગ્રાહકોને આકર્ષવા માટે જુદી જુદી સ્ક્ીમો બનાવી છે બજારોમાં પણ લોકોની ઘરાકી જાેવા મળી રહી છે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહયા છે.
પરંતુ નદી પારના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં તમામ બજારો ખુલી ગયા છે જેના પરિણામે જનજીવન પુનઃ ધબકતું થઈ ગયું છે શહેરના આનંદનગર વિસ્તારમાં શ્યામ સુંદર બંગ્લોઝમાં રહેતા અને સોના-ચાંદીનો ધંધો કરતા રોહિતભાઈ શાહ નામના વહેપારીની નજીકમાં જ આવેલા સચીન ટાવરમાં ગોલ્ડ હાઉસ નામે જવેલરીનો શો રૂમ ધરાવે છે આ શો રૂમમાં કેટલાક કર્મચારીઓ કામ કરી રહયા છે.
આ શો રૂમમાં તેમનો વિશ્વાસુ એવો ભાણીયો રિકીનને પણ નોકરીએ રાખ્યો હતો મુળ બનાસકાંઠા જિલ્લાના અને હાલ ન્યુ રાણીપ ખાતે રહેતા રિકીનને નોકરીએ રાખ્યા બાદ રોહિતભાઈ શાહ તેમના આ ભાણિયા પર પુરો વિશ્વાસ મુકતા હતા અને તેને સેલ્સ એકિઝકયુટીવ તરીકેની જવાબદારી સોંપી હતી આ તમામ ગતિવિધિ લોકડાઉન પહેલા બની હતી.
જવેલર્સના શો રૂમમાં સતત ઘરાકી જાેવા મળતી હતી આ દરમિયાનમાં ગયા વર્ષે રોહિતભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાર્ટ એટેક આવ્યા બાદ ડોકટરોએ તેમને સઘન સારવાર આપી સ્વસ્થ કરી દીધા હતા અને ત્યારબાદ તેમને ઘરે જ ત્રણ ચાર મહિના આરામ કરવાની સલાહ આપી હતી.
જવેલર્સના શો રૂમમાં કામ કરતા તેમના ભાણિયા રિકીન પર સંપૂર્ણ વિશ્વાસ મુકી સમગ્ર જવેલર્સના શો રૂમની જવાબદારી સોંપી હતી અને બીજીબાજુ રોહીતભાઈની તબીયત સુધરતા જ તેઓ શો રૂમ પર પરત આવવા લાગ્યા હતા અને તેમની ગેરહાજરીમાં શો રૂમમાં થયેલા તમામ વેચાણના દસ્તાવેજાેની ચકાસણી શરૂ કરી હતી.
તપાસ દરમિયાન રિકીને લાખો રૂપિયાના દાગીના ઉધારમાં વહેંચ્યા હોવાની એન્ટ્રીઓ મળી હતી જેના પગલે રોહિતભાઈએ તાત્કાલિક ઉધારમાં માલ ખરીદનાર ગ્રાહકોને ફોન કરીને ઉઘરાણી કરતા મોટાભાગના ગ્રાહકોએ નાણાં રિકીનભાઈને ચુકવી દીધા હોવાનું જણાવ્યું હતું જેના પગલે રોહિતભાઈ ચોંકી ઉઠયા હતાં આ અંગે રિકીનને બોલાવી પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને તેણે કબુલ્યુ હતું કે દાગીનાના વેચાણના બદલામાં આવેલા રૂપિયા રૂા.ર૧.૮૬ લાખ વાપરી નાંખ્યા છે આ સમગ્ર કબુલાત બાદ રોહિતભાઈએ તેના પરિવારજનોને જાણ કરી હતી અને તાત્કાલિક આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિકીનની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.