આનંદનગરમાં ભીષણ આગઃ ૨૫ ઝૂપડાંઓ બળીને ખાખ
અમદાવાદમાં આગની ઘટનાઃફાયરબ્રિગેડે આસપાસના મકાનો પર ચઢીને પાણીમારો કરી આગ પર નિયંત્રણ મેળવ્યું, કોઈપણ જાનહાની નહીં
અમદાવાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિત પ્રમાણે શરૂઆતમાં ૧૨થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની ૧૫ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આ વિકરાળ આગમાં ૨૫ જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા હોવાની માહિતી સામે આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઝૂંપડાઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ તરતજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ટીમ પહોંચે તે પહેલા તો ૨૦થી ૨૫ ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા છે.
જાેકે, સદનસીબે આ દુર્ઘટનામાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણ શકાયું નથી. અચાનક લાગેલી આ ભીષણ આગને કારણે ત્યાં ઝુંપડા તથા આસપાસમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા હતા. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં હોવાથી ફાયર વિભાગે આસપાસના મકાનો પર ચઢીને પાણીનો મારો ચલાવ્યો હતો અને અંતે આગને કાબૂમાં લેવાઈ હતી.