આનંદની હેલી લાવતો વરસાદ આ વર્ષે હજુ ખેડૂતોને રડાવી રહ્યો છે
અરવલ્લી-સાબરકાંઠાના ખેતરના ઉભા પાકનો સોથ વળ્યો |
અરવલ્લી:રાજયમાં દિવાળી ટાણે ‘ક્યાર’ વાવાઝોડા બાદ ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભાઈ બીજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ભાઈબીજ ની રાત્રીએ ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને કપાસના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની કમર તોડી નાખી હોય તેમ દયનિય હાલતમાં મુકાયા છે
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી પાક પૂરોપૂરો નાશ થવાથી ખેડૂતોના માથે આભ તૂટી પડતા હવે શું કરવું તે સવાલ ઉભો થયો છે.
જ્યાં જુઓ ત્યાં ખેતરમાં પાકને નુકસાન દેખાઈ રહ્યું છે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોનો તમામ પાક નષ્ટ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ સારા પાકની આશા સાથે કપાસ, મગફળી, અળદ તેમજ સોયાબીનની ખેતી કરી હતી, પણ કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી દીધી છે.
ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટીએ ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચાડ્યું હતું,, પણ કેટલાક ખેડૂતોનો પાક બચી ગયો હતો,જે હવે કમોસમી વરસાદે તે પાક પણ બગાડી દીધો છે,, ખેડૂતોને આ વર્ષે સારા પાકની આશાએ મોટો ખર્ચ કરીને કપાસ અને મગફળીના પાકની વાવણી કરી હતી, પણ હવે કમોસમી વરસાદે ખેડૂતોના માથે દેવુ ફૂંકી દેવા જેવી સ્થિતિ પેદા કરી છે.
જગતનો તાત ગમે તેટલી મહેનત કરે, પણ કોઇક ને કોઇ રીતે તેને નુકસાની વેઠવાનો વારો તો આવે છે,, હવે કુદરત ભલે રૂઠી હોય પણ સરકાર ન રૂઠે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે