Western Times News

Gujarati News

આનંદો ! કડાણા સિંચાઇ યોજના થકી દાહોદ જિલ્લાના ૨૯ તળાવોમાં મહી નદીના પાણી પહોંચ્યા

દાહોદ જિલ્લાની ૧૦ હજાર હેક્ટર જમીનમાં સમૃદ્ધિની વાવેતર કરનારા મહી નદીના પાણીના ઠેરઠેર વધામણા

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર સરકારની મહત્વાકાંક્ષી કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાએ સમૃદ્ધિના પાણી લાવવાની શરૂઆત કરી દીધી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાને લોકાર્પિત કર્યા બાદ અત્યાર સુધીમાં ૨૯ તળાવો, બે કોતરો અને બે જળાશયો સુધી મહી નદીના પાણી પહોંચી ચૂક્યા છે. દાહોદ જિલ્લાના ખેડૂતોની ૧૦ હજાર હેક્ટર જમીનમાં બારેય માસ સમૃદ્ધિનો પાક લહેરાતો હોય એ દિવસો હવે બહુ જાજા દૂર નથી.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, કડાણા ડેમ પરથી સિંચાઇ વિભાગ દ્વારા આ યોજના માટે રોજનું ૧૨૦ ક્યેસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. સવારે ૬ વાગ્યાથી પાણી ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે અને છેક રાતના ૮-૯ વાગ્યા સુધી એટલે કે રોજના ૧૪થી ૧૫ કલાક સુધી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને તળાવોમાં આ પાણી છોડવામાં આવે છે. હાલના તબક્કે સિંચાઇ વિભાગ દ્વારા લાઇનની પાણી નાખવાની સાથે લાઇનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જેથી કોઇ ખામી હોય તો તે પહેલથી જ દુરસ્ત થઇ શકે.

દાહોદ જિલ્લાના ખેડૂતોમાં પણ આ યોજનાને લઇ ભારે ઉત્સાહ પ્રવર્તે છે. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ખેડૂતોએ તળાવમાં મહી નદીના જળનો વધામણા કર્યા હતા.

છેલ્લા ત્રણ દિવસથી પાટાડુંગરી ઠક્કર બાપા જળાશયમાં લગાતાર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે તેની જળ સપાટીમાં સવા ફૂટનો વધારો થયો છે. આ જળાશયનું ટોપ લેવલ ૫૬૦.૫૦ ફૂટ છે. તે આજ તા. ૧૮ની સ્થિતિએ ૫૫૫.૮૦ ફૂટ ભરાયો છે. તેની ક્ષમતા ૪૧ મિલિયન ઘન મિટર છે.

જે તળાવોમાં પાણી નાખવામાં આવ્યું, તેની યાદી જોઇએ તો ગોઠીબના બે તળાવ, ઉખરેલી, ભંડારા, મારગાળા, જવેસી, જેતપુર, કડવાલ, બાજરવાડા, લીમડી, પારેવા, સાપોઇ, મોટી હાંડી, બિલવાણી, ડોકી, સાકરદા, ખરેડી, ઉસરવાણ, છાપરી, દેલસર, ઝાલત, ઉસરી, લીલર, દેવધા, ગોલાણા, આંબા-૩ અને આંબા-૪, મુણધા ગામના તળાવોમાં મહી નદીના પાણી પહોંચી ગયા છે.  આગામી ટૂંક સમયમાં અદલવાડા, વાંકલેશ્વર અને ઉમરિયા જળાશયમાં પાણી પહોંચે એવું સિંચાઇ વિભાગનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.