આનંદો : નાસાને શુક્ર ઉપર જીવન હોવાના સંકેત મળ્યા
નવીદિલ્હી: નાસાના વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાયુમંડળમાં એક ગૅસ મળ્યો છે, જે ત્યાં જીવન હોવાનો સંકેત આપે છે. શક્યતા છે કે બની શકે કે શુક્ર ગ્રહનાં વાદળોમાં સૂક્ષ્મ જીવ તરી રહ્યા છે. એ ગૅસનું નામ છે ફૉસ્ફીન. જે એક ફોસ્ફરસના કણ અને ત્રણ હાઇડ્રોજનના કણોને મળીને બન્યો છે. ધરતી પર ફૉસ્ફીનનો સંબંધ જીવનથી છે. આ પેંગ્વિન જેવાં પ્રાણીઓના પેટમાં જોવા મળતા સૂક્ષ્મ જીવો સાથે જોડાયેલો છે કે કાદવ જેવી ઓછી ઓક્સિજનવાળી જગ્યાએ જોવા મળે છે. ફૉસ્ફીનને કારખાનાંઓમાં પણ બનાવી શકાય છે, પરંતુ શુક્ર ગ્રહ પર તો કારખાનાં છે જ નહીં, અને ચોક્કસ રીતે ત્યાં કોઈ પેંગ્વિન પણ નથી. તો શુક્ર ગ્રહ પર આ ગૅસ કેમ છે અને એ પણ ગ્રહની સપાટીથી ૫૦ કિમી ઉપર? બ્રિટનની કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જેન ગ્રીવ્સ અને તેમના સહયોગીઓનો આ જ સવાલ છે.
જોકે વૈજ્ઞાનિકોની ટીમે શુક્ર પર જીવન મળવાનો દાવો નથી કર્યો, પરંતુ કહ્યું છે કે એ શક્યતા અંગે વધુ માહિતી મેળવવી જોઈએ. હકીકતમાં કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જૅન ગ્રીવ્સ અને તેમના સાથીઓએ હવાઈના મૌના કેઆ ઑબ્ઝરવેટરીમાં જૅમ્સ ક્લાર્ક મૅક્સવેલ ટેલિસ્કૉપ અને ચિલીસ્થિત અટાકામા લાર્જ મિલીમિટર ઍરી ટેલિસ્કૉપની મદદથી શુક્ર ગ્રહ પર નજર રાખી.
તેનાથી ફૉસ્ફીનના સ્પૅક્ટ્રલ સિગ્નેચરની ખબર પડી. બાદમાં વૈજ્ઞાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે કે શુક્ર ગ્રહનાં વાદળોમાં આ ગૅસ બહુ મોટી માત્રામાં છે. શુક્ર ગ્રહ અંગે અત્યાર સુધીમાં અમારી પાસે જે જાણકારી છે અને ત્યાં જે સ્થિતિઓ છે, તેને જોતાં ફૉસ્ફીનની જેટલી માત્રા મળી છે, તેનાથી હજુ સુધી કોઈ પણ ફૉસ્ફીનના અજૈવિક માધ્યમની ખબર પડી નથી. તેનો મતલબ કે ત્યાં જીવનની શક્યતા પર વિચાર કરી શકાય છે.
પ્રોફેસર જેન ગ્રીવ્સે કહ્યું, “મારી આખી કારકિર્દીમાં બ્રહ્માંડમાં ક્યાંય પણ જીવન ખોજવામાં રુચિ રહી છે. આથી મને આ શક્યતા અંગે વિચારીને સારું લાગી રહ્યું છે.”