આનંદ નિકેતન સ્કુલને વધુ એક વખત પરીક્ષા રદ કરવા ધમકી
ડાર્ક વેબનાં ઉપયોગને કારણે આરોપી સુધી પહોંચવામાં વિલંબઃ સાયબર એસીપી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં પોશ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળાને પરીક્ષા રદ કરવા વધુ એક ધમકી ભર્યાે ઈમેઈલ મળ્યો છે. અને અજાણ્યા શખ્સે પરીક્ષા રદ ન કરે તો વિદ્યાર્થીઓનાં મોર્ફ કરેલાં ફોટાં વાઈરલ કરવાની ધમકી આપી છે. આ મામલે અગાઉ શાળાનાં સંચાલકો દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેની તપાસ ચાલી રહી છે. અને ઈમેઈલ “ડાર્ક વેબ”નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યાનું ખુલ્યું છે.
આનંદ નિકેતન શાળાને ગત ૬ ડિસેમ્બરે વધુ એક ધમકીભર્યાે ઈમેઈલ મળતાં શાળાનાં સંચાલકો ચોકી ઉઠ્યા છે. જ્યારે વાલીઓને આ ઘટનાની જાણ થતાં તે ચિંતીત બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ નિકેતન શાળામાં પ્રિલિમ્સ યોજવાનો આયોજન થઈ રહ્યું હતું ત્યારે જ અજાણ્યાં શખ્સનો વધુ એક ધમકીભર્યાે ઈમેઈલ મળ્યો હતો. જેમાં તેણે ફરીથી ધમકી રીપીટ કરી હતી. છેલ્લાં ત્રણ મહિનામાં શાળાને આ બીજી ધમકી મળી છે. જેની જાણ સાયબર ક્રાઈમ પોલીસને કરવામાં આવી છે. જેમાં કોઈ જાણભેદુ જ સંડોવાયેલો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે પરીક્ષા અંગેનો નિર્ણય કરવા માટે સંચાલકો અવઢવની સ્થિતિમાં મુકાયાં છે.
બીજી તરફ આ ઘટનાની તપાસ કરતાં સાયબર ક્રાઈમની તપાસમાં આ ઈમેઈલ ડાર્ક વેબનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હોવાનો ખુલ્યું છે. જેના કારણે આરોપી સુધી પહોંચવામાં વિલંબ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વાત કરતાં એસીપી જે.એમ.યાદવે કહ્યું હતું આ ઘટના બાદ સમગ્ર ડેટા એકત્ર કરવામાં આવી રહ્યાં છે. અને તેના ઉપર કામ ચાલુ છે. ડાર્ક વેબમાં કેટલાંક લેયર હોય છે જેને ભેદવા મુશ્કેલ હોય છે. આ અંગેની ટેકનીકલ માહિતી મેળવવા માટે સંલગ્ન કંપનીઓ સાથે પણ કામ ચાલી રહ્યું છે. જાેકે, આ ઘટનાના મૂળ સુધી જ પહોંચીને જ રહીશું અને આરોપી ટૂંક સમયમાં જ પકડાઈ જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યાે છે.